મોડાસા, તા.૧૭
રાજસ્થાનમાં કોરોના દર્દીઓનો આંકડો ૭ દિવસ અગાઉ ૧૧ હજારને વટાવી દેતા અને કોરોનાના લીધે ૨૫૬ લોકોનાં મોત નિપજતા સતત કોરોના પોઝિટિવ કેસ વધતા રાજસ્થાન સરકારે ૭ દિવસ સુધી આંતરરાજ્ય સરહદો સીલ કરવાનો નિર્ણય લીધો હતો જેમાં રાજસ્થાનને ગુજરાત સહિત પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશની અડતી તમામ આંતરરાજ્ય સરહદો સીલ કરી દીધી હતી. રાજસ્થાન રાજ્યમાં પ્રવેશવા માટે અને રાજ્યની બહાર જવા માટે કલેક્ટર કક્ષાના અધિકારીનો પાસ અમલી બનાવી દેવામાં આવતા વાહનચાલકો અને લોકોની અવર-જવર પર પ્રતિબંધ લાગી ગયો હતો. રાજસ્થાન સરકારે ૭ દિવસ પછી આંતરરાજ્ય સરહદો પરથી નિયંત્રણ હટાવી લેતા વાહનચાલકોમાં અને લોકોમાં આનંદ છવાયો હતો. રાજસ્થાનમાં પ્રવેશ મેળવનાર તમામ વાહનો નોંધણી ફરજિયાત બનાવી દેવામાં આવી છે.
બુધવારે ૭ દિવસ પછી રાજસ્થાન સરકારે આંતરરાજ્ય સરહદો પુનઃ તમામ વાહનચાલકો અને લોકો માટે ખુલ્લી મૂકી દેવામાં આવતાં લોકોમાં આનંદ છવાયો હતો. સરહદો સીલ કરતાં અટવાયેલા લોકો પરત વતન ફર્યા હતા. અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય સરહદ રતનપુર ચેકપોસ્ટ સહિત અન્ય બોર્ડર ખુલ્લી કરી દેતા વાહનોની અવર-જવર રાબેતા મુજબની જોવા મળી હતી.