Site icon Gujarat Today

રાજ્યના ત્રણ શહેરોની સાથે અમદાવાદમાં પણ હવે આજથી માત્ર રાત્રીનો કરફ્યુ !

• લોકો ફરજિયાત પણે માસ્ક પહેેરે, નહીં તો કડક કાર્યવાહી : મુખ્યમંત્રી • લોકોએ ડરવાની જરૂર નથી, સરકારે પૂરી વ્યવસ્થા કરી છે : વિજય રૂપાણી • રાજ્યના બાકીના નગરો-ગામોમાં લોકોને સંક્રમણ ના વધે તે માટે રાત્રે ઘરમાં રહેવા અપીલ

(સંવાદદાતા દ્વારા)  ગાંધીનગર, તા.રર
રાજ્યમાં કોરોનાના વિસ્ફોટક પ્રમાણમાં કેસ વધવાને પગલે સરકારી તંત્ર દોડતું થવાની સાથે સૌથી વધુ કેસ ઘટાવનાર અમદાવાદમાં બે દિવસ કરફ્યુ પડ્યો અને ચારેય શહેરોમાં રાત્રી કરફ્યુ અમલમાં મૂકવામાં આવ્યા બાદ આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં હવે દિવસનો કરફ્યુ નહીં રહે તેવી જાહેરાત કરવા સાથે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાની કબૂલાત કરતાં જણાવ્યું હતું કે, આવતીકાલથી રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કરફ્યુનો અમલ ચાલુ રહેશે.
રાજ્યમાં દિવાળીના તહેવારોથી કોરોનાના કેસોમાં ઉછાળારૂપ વધારો નોંધાતા તેને લઈને દોડધામ વધી જવા પામી છે. આ સાથે સરકાર દ્વારા કડક પગલા લેવાનું શરૂ કરતાં અમદાવાદમાં બે દિવસ માટે તથા રાત્રીના સળંગ કરફ્યુનો નિર્ણય લેવાયો હતો. તે બાદ સુરત, વડોદરા, રાજકોટ માટે રાત્રીના કરફ્યુનો શનિવારથી અમલ શરૂ કરાયો હતો. જેમાં આવતીકાલે સોમવારે સવારે ૬ઃ૦૦ કલાકે અમદાવાદના બે દિવસના કરફ્યુનો અંત આવી રહ્યો હોઈ કરફ્યુ લંબાવવા મુદ્દે લોકોમાં દિવસ દરમ્યાન ભારે અટકળો અને ચર્ચાઓ જારી રહેવા પામી હતી. દરમ્યાન આજે બપોરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અને સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરફ્યુ અંગે જાહેરાત કરી હતી. જેમાં જણાવાયા મુજબ અમદાવાદમાં આવતીકાલથી દિવસનો કરફયુ નહીં રહે. જો કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચારેય શહેરોમાં હવે રાત્રીના કરફ્યુ અમલમાં રહેશે એટલે કે રાત્રીના ૯ઃ૦૦થી સવારે ૬ઃ૦૦ વાગ્યા સુધી કરફ્યુ યથાવત રહેશે.
મુખ્યમંત્રી રૂપાણીએ સાંજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. પરંતુ લોકોને ડરવાની જરૂર નથી. સરકારે હોસ્પિટલોમાં પૂરતા બેડ ડોક્ટરો તથા ત્વરિત સારવાર મળે તે માટેની બધી જ વ્યવસ્થાઓ કરી છે. રાજ્યભરમાં સવારે ૬થી રાત્રે ૯ઃ૦૦ વાગ્યા સુધી લોકો ફરજિયાતપણે માસ્ક પહેરે તેવી ખાસ અપીલ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, માસ્ક ન પહેરનાર લોકો સામે રૂા.૧ હજારના દંડની કડક કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે વધુમાં રાજ્યના બાકીના નગરો-ગામોમાં સંક્રમણ ન વધે તે માટે લોકોને રાત્રે ઘરમાં રહે તેવી અપીલ કરતા જણાવ્યું હતું કે, આપણે સૌ ભૂતકાળમાં સાથે મળીને દરેક સંક્રમણમાંથી સારી રીતે પાર ઉતર્યા છીએ. ત્યારે યુવાનો પણ સાંજથી રાત દરમ્યાન રેસ્ટોરન્ટ, પાનના ગલ્લા, ચાની લારી વગેરે પર ટોળે વળીને ભીડ એકત્રિતના કરે, બિન-જરૂરી બહાર જવા-આવવાનું ટાળે, યુવાનો જો સંક્રમણ ઘરે લઈને જશે, તો ઘરમાં વડીલોને અસર થશે. કોરોનાનું સંક્રમણ રોકવું અતિ આવશ્યક છે એટલે સૌ કોઈ ફરજિયાત માસ્ક, દો ગજ કી દૂરી અને વારંવાર હાથ ધોવા-સેનેટાઈઝ કરવા જેવી આદતો કેળવે અને તેનું અવશ્ય પાલન કરે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Exit mobile version