Ahmedabad

રાજ્યની આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનોના વેતનમાં અંતે વધારો કરાયો

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૬
રાજયની હજારો આંગણવાડીમાં કામ કરતી કાર્યકર તેડાગર બહેનોના પગાર મુદ્દે છેલ્લા કેટલાક સમયથી રજૂઆતો દેખાવોના જારી રહેલા દોર દરમ્યાન આજે આખરે સરકારે તેમના માટે રાહતપૂર્ણ નિર્ણય લીધો છે. વિધાનસભામાં આ અંગે નાયબ મુખ્યમંત્રીએ આંગણવાડી કાર્યકર, તેડાગર અને મીની આંગણવાડી બહેનો એમ ત્રણે કેટેગરી માટે માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. રૂા.૩૦૦થી ૬૦૦ સુધીનો વેતન વધારો સરકારે બહેનો માટે કરતા હવે સરકારની તિજોરી પર વાર્ષિક રૂા.પપ કરોડનો બોજ વધશે. નીતિન પટેલે વિધાનસભા ખાતે નિયમ ૪૪ હેઠળ જાહેરાત કરતા જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકર, મીની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના વેતનમાં નોધપાત્ર વધારો કરાયો છે.આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમાં રૂા.૬૦૦, તેડાગર બહેનોના વેતનમાં રૂા.૩૦૦ અને મીની આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમાં પણ રૂા.૩૦૦નો વધારો કરાયો છે. આ વધારાનો રાજયની પ૩૦ર૯ બહેનોને લાભ મળશે. નીતિન પટેલે કહ્યું હતું કે આંગણવાડી કાર્યકરોના સંગઠન તરફથી આંગણવાડીઓમાં કામ કરતા કાર્યકરો અને તેડાગરોના વેતનમાં વધારો કરવાની રજૂઆત કરવામાં આવી હતી. બહેનોને વધુ સારૂં કાર્ય કરવા પ્રોત્સાહન મળે તે હેતુથી ગુજરાતની પ૩૦૦૦થી વધુ આંગણવાડીઓમાં કામ કરતા આંગણવાડી કાર્યકરો, તેડાગરો અને મીની આંગણવાડીના કાર્યકરોના વેતનમાં વધારો કરવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે. તેમણે ઉમેર્યું કે હાલમાં રાજયની પ૧રર૯ જેટલી આંગણવાડીઓની કાર્યકર બહેનોને વેતન તરીકે માસિક રૂા. ૭ર૦૦ મળે છે. તેમાં હવે માસિક રૂા. ૬૦૦નો વધારો થતા તેઓને રૂા.૭૮૦૦ વેચતન મળશે. તેવી જ રીતે તેડાગર બહેનોને હાલ વેતન તરીકે રૂા. ૩૬પ૦ આપવામાં આવે છે તેમાં દર મહિને રૂા.૩૦૦નો વધારી કરી રૂા.૩૯પ૦ આપવામાં આવશે. રાજયની ૧૮૦૦ જેટલી મીની આંગણવાડીની કાર્યકર બહેનોને વેતન રૂા.૪૧૦૦ ચૂકવવામાં આવે છે તેમાં દર મહિને રૂા.૩૦૦નો વધારો કરી રૂા.૪૪૦૦ આપવામાં આવશે. આ વધારો ૧ માર્ચ,ર૦૧૯થી અમલમાં આવે તે રીતે આપવામાં આવશે. આ વધારાનો ખર્ચ સંપૂર્ણ પણે રાજય સરકાર ચુકવશે. આ માટે રાજય સરકારને અંદાજે વાર્ષિક રૂા.પપ.૯૮ કરોડ જેટલો કાયમી વધારાનો ખર્ચ થશે. આ વધારેલુ વેતન માર્ચ ર૦ર૦થી ચુકવવામાં આવશે. માર્ચ ર૦૧૯થી ફેબ્રુઆરી ર૦ર૦ સુધીના સમયગાળાનું વેતનનું એરીયર્સ ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે. રાજય સરકાર પર એરીયર્સનું અંદાજે રૂા.પપ.૯૮ કરોડ જેટલુ વધારાનું ભારણ આવશે. એટલે કુલ મળી પ્રથમ વર્ષે રૂા.૧૧૧ કરોડનો બોજ વધશે.