Ahmedabad

રાજ્યની હોસ્પિટલોમાં આગજનીના બનાવોનો સિલસિલો હજીય જારી રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં કોરોનાના પાંચ દર્દી થયા ભડથું

વડાપ્રધાને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી : કોરોનાના ૩૩ દર્દી સારવાર હેઠળ હતા

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૭
રાજ્યમાં ફરી એકવાર હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો છે. રાજકોટના માલવિયાનગર વિસ્તારમાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં આગનો બનાવ બનતા કોરોનાની સારવાર હેઠળના પાંચ દર્દીઓ આગમાં ભડથું થઈ જવા પામ્યા છે. રાજ્યની હોસ્પિટલોમાં આગના બનાવના જારી રહેલ સિલસિલામાં ચાર માસમાં જ કુલ ૧૩ દર્દીઓ ભડથું થઈ જવા પામેલ છે. આગના બનાવ અંગે વડાપ્રધાન મોદીએ સંવેદના વ્યક્ત કરી છે.
કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ થંભવાનું નામ લેતી નથી અને કોરોનાના કહેર સામે લડતા દર્દીઓ આગમાં જીવ ગુમાવી રહ્યા છે. જેમાં આજે રાજકોટમાં લાગેલી આગ મુદ્દે સર્વોચ્ચ અદાલતે રૂપાણી સરકારનો ઉધડો લીધો છે. અદાલતે આ મુદ્દે સરકાર પાસે જવાબ માંગ્યો છે અને સોલિસિટર જનરલને પણ આકરા સવાલો કર્યા છે. ગુજરાતમાં અવાર-નવાર આગની ઘટનાઓના કારણે કોરોના વાયરસની સામે ઝઝૂમી રહેલા દર્દીઓ મોતને ભેટી રહ્યા છે.
રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં ૫ લોકોનાં મોત થયા હતા. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દર્દીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયામાં કહ્યું છે કે, પ્રશાસન અસરગ્રસ્તોની સહાય કરી રહ્યું છે તમામ શક્ય સહાયની ખાતરી આપી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં કહ્યું છે કે, રાજકોટમાં ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગવાથી ભારે જાનહાનિ વેઠવી પડી છે. મારા વિચારો તે લોકો સાથે છે જેમણે આ કમનસીબ દુર્ઘટનામાં તેમના પ્રિયજનો ગુમાવ્યા છે. ઈજાગ્રસ્તોનું આરોગ્ય ઝડપથી સારૂ થાય તેવી મારી પ્રાર્થના છે. પ્રશાસન અસરગ્રસ્તોને તમામ શક્ય સહાયની ખાતરી આપી રહ્યું છે.
આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના ૩૩ દર્દી સારવાર લઈ રહ્યા હતા જેમાંથી ૧૧ દર્દી આઈસીયુમાં હતા. બચાવી લેવાયેલા અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ કમિશનર અને મેયર ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ મામલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ ખૂબ જ દુઃખદ ઘટના છે. મુખ્યમંત્રી સતત અમારા સંપર્કમાં છે. કોઈપણ જવાબદાર હશે તેની સામે પગલાં લેવામાં આવશે. ફાયરબ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મધરાતે ૧૨ઃ૨૦ વાગ્યે ફાયરબ્રિગેડને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં ૫ાંચ દર્દી બળીને ભડથું થઈ ગયા હતા, એમ છતાં રાજકોટ શહેરના કલેક્ટર સહિત એકપણ ધારાસભ્ય ડોકાયા નહોતા. રાજકોટની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં એક કર્મચારીએ સાત દર્દીને બચાવ્યા હતા. આ ખાનગી હોસ્પિટલમાં આગ લાગી એ દરમિયાન એક કર્મચારી દર્દીઓનો મસીહા બનીને આવ્યો હતો. હોસ્પિટલમાં ફરજ બજાવતા અજય વાઘેલા નામના કર્મચારીએ બહાદૂરીનું કામ કર્યું અને કોવિડના સાત દર્દીને વારાફરતી ખભા પર ઊંચકી અગાશી પર મૂકી આવ્યો હતો.
આગની ઘટનાની જાણ થતાં જ દર્દીના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે, જેમાં સંજય રાઠોડના બહેન સંધ્યાબહેન ધ્રુસકે- ધ્રુસકે રડી પડ્યા હતા અને જણાવ્યું હતું કે, ૪ લાખની સહાય શું ૪૦૦ કરોડ રૂપિયા આપે તો પણ ભાઈની ખોટ કેમ પૂરાય. બીજી તરફ, મૂળ મોરબીના નીતિન મણિલાલ બદાણીના પુત્ર અંકિતે જણાવ્યું હતું કે, અમને શું ખબર પપ્પા સવારે ઊઠશે જ નહીં. આ વચ્ચે રાજકોટના મેયરનું બેજવાબદારી ભર્યું નિવેદન સામે આવ્યું છે. રાજકોટના મેયર બિનાબેન આચાર્યએ આગ દુર્ઘટનાને અને મોતને કુદરતી ગણાવ્યા. તેમણે હોસ્પિટલ પાસે ફાયરની એનઓસી અને તમામ સાધનો હોવા છતાં દુર્ઘટના ઘટી હોવાનું જણાવ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadReligion

  જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

  મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
  Read more
  AhmedabadSports

  રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

  અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
  Read more
  AhmedabadSports

  અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.