અમદાવાદ,તા.૪
રાજયમાં બે દિવસના આંશિક ઘટાડા બાદ ઠંડીએ ફરી એકવાર જોર બતાવાનું શરૂ કરી દીધું છે અનેક સ્થળોએ લઘુતમ તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડી-ઠાર અને ઝાકળથી સર્વત્ર કડકડતી ઠંડી પડી રહી છે. વાત કરીએ લઘુતમ તાપમાનની તો ગીરનાર પર્વત પર ૩.૭ અને નલિયામાં ૪.ર ડિગ્રી નોંધાયું હતું. જયારે હજુ પણ આગામી ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કોલ્ડવેવની અસર જોવા મળી શકે છે. રાજયમાં માવઠાની આગાહી વચ્ચે રવિવારે મોડી રાત્રે સાબરકાંઠા અને અરવલ્લીમાં કેટલાક સ્થળોએ વરસાદ પડયો હતો જયારે રાજયમાં મોટા ભાગના સ્થળોએ ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળ્યો હતો. કાતિલ ઠંડીની જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. જયારે આગામી ત્રણ દિવસ સુધી લઘુતમ તાપમાનમાં રથી ૩ ડીગ્રીના ઘટાડા સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિ જોવા મળશે. હાલ રાજયમાં વાદળછાયું વાતાવરણ છે તો બીજી તરફ ઉત્તરાયણ સુધી લઘુતમ તાપમાનમાં સામાન્ય વધઘટ વચ્ચે ઠંડીનો ચમકારો જોવા મળશે. ઠંડીના કારણે વહેલી સવારે અને મોડી સાંજે રોડ રસ્તા સુમસામ ભાસે છે તો કયાંક નહીવત અવરજવર જોવા મળી શકે છે. રાજયમાં લઘુતમ તાપમાનમાં પણ જોરદાર ઘટાડો યથાવત રહેવા પામ્યો છે. સૌથી ઓછું લઘુતમ તાપમાન ગીરનાર પર્વત પર ૩.૭ ડિગ્રી નોંધાયું હતું. જયારે નલિયામાં ૪.ર, કેશોદમાં ૭.૧, ભુજમાં ૯.૦, રાજકોટ અને પોરબંદરમાં ૯.૩, અમરેલીમાં ૧૦.૪ કંડલા એરપોર્ટ અને સુરેન્દ્રનગરમાં ૧૧.૦, કંડલા પોર્ટમાં ૧૧.૧, ડીસામાં ૧૧.૩, ગાંધીનગરમાં ૧૧.પ, વલસાડમાં ૧ર.૦, વેરાવળમાં ૧ર.ર અને અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧ર.૮ ડિગ્રી નોંધાયું હતું. જયારે આગામી દિવસોમાં પણ ઠંડીમાં કોઈ રાહત મળે તેવી શકયતા દેખાતી નથી. બીજી તરફ જમીન તરફથી દરિયા તરફ પવન ફુંકાતા, દરિયાકાંઠાના વિસ્તારો પણ ઠંડાગાર બન્યા છે, પોરબંદરમાં લગભગ બે દાયકા બાદ પ્રથમ વખત રેકોર્ડ બ્રેક ૯.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આમ આ વખતે શિયાળો તેનો અસલ મીજાજ ખુબ જોર સાથે બતાવી રહ્યો હોય તેવું બની રહ્યું છે.