Ahmedabad

રાજ્યમાં લઘુમતી આયોગની રચના કરવા મુદ્દે વિધાનસભાનો ઘેરાવ કરાશે

અમદાવાદ,તા.૧૬
રાજયમાં લઘુમતી આયોગની રચના ન થઈ હોવાથી છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં લઘુમતી આયોગની રચના કરવા માટે લઘુમતી કો.ઓર્ડિનેશન કમિટી ઓફ ગુજરાત દ્વારા સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા આ મામલે કંઈ ઘટતું કરાયું નથી. આથી આગામી વિધાનસભા સત્રમાં વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે તેમ લઘુમતી કો.ઓર્ડિનેશન કમિટી ઓફ ગુજરાતે તેમાં ઠરાવમાં નિર્ણય કર્યો હતો.
ગુજરાતમાં લઘુમતી આયોગની રચના જ કરવામાં આવી નથી. માટે છેલ્લા ઘણા સમયથી ગુજરાત કો.ઓર્ડિનેશન કમિટી ઓફ ગુજરાત દ્વારા રાજયમાં લઘુમતી આયોગની રચના કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને તે અંતર્ગત સરકારને ઘણી રજૂઆતો કરવામાં આવી છે. લઘુમતી સમાજ સામેના ભેદભાવને દુર કરવા માટે એમસીસી દ્વારા સમગ્ર રાજયમાંથી ૧ લાખ જેટલા પોસ્ટકાર્ડ મુખ્યમંત્રીને લખવામાં આવ્યા છે અને ૩૧ જિલ્લા કલેકટરોને પણ પોસ્ટ કાર્ડ લખીને રજૂઆત કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા આ મામલે કંઈ ઘટતું કરાયું નથી. આથી આગામી વિધાનસભા સત્ર દરમ્યાન વિધાનસભાનો ઘેરાવ કરી કોઈને પણ વિધાનસભામાં જવા દેવામાં નહીં આવે અને તેમ છતાં પણ જો આનો અમલ નહીં થાય તો આ મુદ્દાને કોર્ટ સુધી લઈ જવામાં આવશે. તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લઈ જવામાં આવશે તેવી ચીમકી લઘુમતી કો.ઓર્ડિનેશન કમિટીએ ઉચ્ચારી હતી.