Ahmedabad

રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો ભય કોંગ્રેસે ધારાસભ્યોને રાજસ્થાન રવાના કર્યા

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૪
રાજયસભાની ચૂંટણીમાં ભાજપે ત્રીજો ઉમેદવાર ઉભો કરતા જ કોંગ્રેસનો ક્રોસ વોટિંગનો ભય સતાવતા તેના કેટલાક ધારાસભ્યોને રાજસ્થાન લઈ જવાની તજવીજ હાથ ધરી છે. આ ધારાસભ્યોને રાજસ્થાનમાં ઉદેપુર અને જયપુર એમ બે ભાગમાં વહેંચી નાખવામાં આવશે. આ ધારાસભ્યોને રાજય બહાર લઈ જવાનો નિર્ણય ગત રાજયસભાની ચૂંટણીમાં દાઝી ચુકેલા અહમદ પટેલે લીધો હોવાનું જાણવા મળ્યું છે. આગામી ર૬ માર્ચના રોજ રાજયસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે જેમાં ભાજપ અને કોંગ્રેસને બબ્બે બેઠકો જીતવાની શકયતા છે પરંતુ ભાજપે કુટનીતિ દ્વારા અંતિમ સમયે ત્રીજો ઉમેદવાર ઉભો રાખતા કોંગ્રેસને ક્રોસ વોટિંગનો ભય સતાવી રહ્યો છે. આથી પોતાની બે સીટ બચાવવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને રાજસ્થાન લઈ જવાની સુચના આપી છે. જે પૈકી ૧પથી ર૦ ધારાસભ્યો તો જયપુર પહોંચી ગયા હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યો હર્ષદ રિબડિયા, ગેનીબેન ઠાકોર, ઋત્વિક મકવાણા, જીતુ ચૌધરી વગેરે જયપુર પહોંચી ચુકયા હોવાનું જાણવા મળ્યું છે. ગેનીબેન ઠાકોરે તો ઘરેથી રવાના થતા અગાઉ ગાયને રોટલી ખવડાવી હતી. ત્યાર બાદ તેમણે કોંગ્રેસ બંને બેઠકો જીતી જશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો તોડવાની ફિરાકમાં હતો. પરંતુ કોંગ્રેસે ધારાસભ્યોને રાજ્ય બહાર મોકલી દેતા ભાજપ હવે આ ધારાસભ્યોના પરિવારજનો દ્વારા તેમનો સંપર્ક કરી શકે છે. કોંગ્રેસે રણનીતિના ભાગરૂપે ધારાસભ્યોને ત્રણ ગ્રુપમાં વહેંચી દીધા છે. શકિતસિંહ ગોહિલના દક્ષિણ અને સૌરાષ્ટ્રના ધારાસભ્યો શકિતસિંહ સાથે રહેશે જયારે ભરતસિંહ સોલંકીના સમર્થક ધારાસભ્યો ભરતસિંહ સાથે રહેશે. જયારે પાટીદાર ધારાસભ્યોને સાચવવાની જવાબદારી પરેશ ધાનાણીને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.