(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧
રાજ્યમાં આગામી સમયમાં મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી યોજવા રાજ્ય ચૂંટણી આયોગની તડામાર તૈયારીઓ વચ્ચે ઉત્તરાયણ પછીના સપ્તાહમાં ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરે તેવી વિગતો સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. આ ચૂંટણી માટે પ્રાથમિક મતદારયાદી જાહેર કરવા સાથે નવા મતદાન મથકોની યાદી તૈયાર કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.
રાજ્યભરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામું મોટાભાગે ઉત્તરાયણ બાદ તરત જ બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે.જેમાં ૧૮ જાન્યુઆરીની આસપાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનુ જાહેરનામુ બહાર પાડી ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં મતદાન કરવા માટે રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરુ કરી હોવાનું ચૂંટણી પંચના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.રાજ્યભરની તાલુકા-જિલ્લા, નગરપાલિકા અને છ મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજવા માટે સુપ્રિમ કોર્ટે ફેબ્રુઆરી માસનું અલ્ટીમેટમ આપ્યા બાદ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા તડામાર તૈયારીઓ શરુ કરી છે.
રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂટ્ંણીનું જાહેરનામું બહાર પાડવા માટે મોટાભાગે જાન્યુઆરી માસના બીજા સપ્તાહ પછીની તારીખ નક્કી કરી છે. ઉત્તરાયણ બાદ મોટાભાગે ૧૮ જાન્યુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે અને બે તબક્કામાં ચૂંટણી યોજવા માટે હાલ રાજ્ય ચૂંટણી પંચ ચર્ચા વિચારણા કરી રહ્યું છે. પ્રથમ તબક્કામાં તાલુકા-જિલ્લા પંચાયતો અને બીજા તબક્કામાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજવામાં આવે તેવા સંકેત રાજ્ય ચૂંટણી પંચના સુત્રોમાંથી મળી રહ્યા છે.
રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી સંદર્ભે તમામ જિલ્લા કલેક્ટરો સાથે તૈયારીની સમીક્ષા કરવા એક મહત્વની વીડિયો કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં કોરોનાકાળ વચ્ચે લોકો કોરોનાનો ડર રાખ્યા વગર વધુ પ્રમાણમાં મતદાન કરવા બહાર આવે તે માટે જાગૃતિ ના કાર્યક્રમો યોજવા તેની સાથોસાથ મતદાન મથકને દર કલાકે સેનીટાઈઝ કરવું, મતદારોને હેન્ડ ગ્લોઝ અને સેનીટાઈઝર આપવા તેની સાથોસાથ ચૂંટણી ફરજના સ્ટાફને ફેસસીલ્ડ, માસ્ક, લીકવીડ શોપ, અને સેનીટાઇઝરની સગવડ આપવાની સૂચના પણ રાજ્ય ચૂંટણી પંચે તમામ વહીવટી તંત્રોને આપી છે. વીડિયો કોન્ફરન્સમાં આ વખતે તાજેતરમાં કેન્દ્રીય ચૂંટણી પંચે કરેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જે નવા નામો ઉમેરવામાં આવ્યા છે. તેમાં નામ કમી, સરનામા ફેરફાર સહિતના તમામ સુધારાઓની ચોકસાઈપૂર્ણ ડેટા એન્ટ્રી થાય તેની ખાસ કાળજી લઇ ભૂલ વગરની મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવે તેના પર ભાર મુકયો હતો. દરમિયાન ચૂંટણી પંચે મતદારોની સંખ્યા વધતી હોઈ નવા મતદાન મથકોની યાદી તૈયાર કરી તેની દરખાસ્ત તમામ જિલ્લા કલેક્ટરો પાસેથી મંગાવી છે. એક સપ્તાહમાં નવા મતદાન મથકોની યાદી રાજ્ય ચૂંટણી પંચને મળી જાય તે માટે તમામ વહીવટી તંત્રને આદેશ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય ચૂંટણી પંચે એક મતદાન મથક દીઠ ગ્રામ્યમાં ૧૦૦૦થી ૧૨૦૦ અને સિટી વિસ્તારમાં ૧૨૦૦ થી ૧૪૦૦ મતદારોને સમાવવામાં આવે તે રીતે મતદાન મથકોનું ગઠન કરવાનું જણાવ્યું હોવાનું ચૂંટણી પંચના સૂત્રોએ અંતમાં ઉમેર્યું હતું.