Ahmedabad

રાત્રીની તમામ ટ્રેનોમાં મહિલા કોન્સ્ટેબલોની ફાળવણી કરવા રેલ્વે આઈજીનો આદેશ

અમદાવાદ, તા.૨૦
ગુજરાત ક્વિનના મહિલા કોચમાં ગુરૂવારે રાત્રે નવસારીથી અમલસાડ વચ્ચે વલસાડ આવતી શિક્ષિકા ઉપર કરવામાં આવેલ દુષ્કર્મના પ્રયાસ બાદ સતર્ક થયેલી આરપીએફ દ્વારા આરોપીનો સ્કેચ બનાવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સોમવારે અમદાવાદ ખાતે યોજાયેલી જીઆરપીની મીટિંગમાં ગુજરાત ક્વિન ટ્રેનમાં દુષ્કર્મનો મુદ્દો ચર્ચાયો હતો. જેમાં રાત્રીની તમામ ટ્રેનોમાં સિવિલ યુનિફોર્મમાં મહિલા કોન્સ્ટેબલ ફાળવવા આદેશ કરવામાં આવ્યો છે અને જીઆરપી અને આરપીએફ સાથે ૨ અલગ-અલગ ટીમો બનાવી આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા આદેશ કરવામાં આવ્યો છે. વડોદરા ખાતે રક્ષાબંધન નિમિત્તે ભાઈને રાખડી બાંધી ગુજરાત ક્વિનના લેડીઝ કોચમાં પરત આવતી વલસાડની શિક્ષિકા ઉપર નવસારી રેલ્વેે સ્ટેશન બાદ એક અજાણ્યા ૩૦ વર્ષીય યુવક દ્વારા શિક્ષિકા ઉપર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાંબાઝ મહિલા શિક્ષિકા આરોપીના તાબે ન થઈને અમલસાડ રેલ્વે સ્ટેશન આવતા ટ્રેનના આગળના જનરલ કોચમાં પહોંચી યાત્રીઓની મદદ માંગી હતી. અમલસાડ ખાતે આરોપી મહિલા કોચમાંથી ફરાર થઇ ગયો હતો. મહિલાએ વલસાડ આવીને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાને પગલે રાત્રિની તમામ ટ્રેનોના મહિલા કોચમાં સિવિલ યુનિફોર્મમાં મહિલા કોન્સ્ટેબલ ફાળવવા આદેશ કરવામાં આવ્યો હતો.