રાફેલ સોદાને લઇ ચાલી રહેલા વિવાદ વચ્ચે સોદાની ફાઇલો ગુમ થવાથી કેન્દ્રની નરેન્દ્ર મોદી ફરી એકવાર બેકફૂટ પર આવી ગઇ છે. કોંગ્રેસ સાથે અન્ય વિરોધ પક્ષો પણ હવે સરકારની ટીકા કરવા લાગ્યા છે. બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ ટિ્વટર પર લખ્યું કે, રાફેલના પેપરો જ રક્ષા મંત્રાલયમાંથી ચોરી થઇ જાય, આ કેવી ચોકીદારી થઇ રહી છે ? માયાવતીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અત્યંત ચોંકાવનારો રહસ્યસ્ફોટ કર્યો છે કે, રાફેલ વિમાન ખરીદી સાથે સંબંધિત મહત્વના ગુપ્ત પેપરો રક્ષા મંત્રાલયમાંથી ચોરી થઇ ગયા છે. ‘સત્યાનાશ ! મોદી સરકાર દ્વારા દેશની આ કેવી ચોકીદારી ? શું દેશ હિત તથા દેશની સુરક્ષા ખરેખર સુરક્ષિત હાથોમાં છે ? વિચારવું પડશે.’ ઉલ્લેખનીય છે કે, માયાવતી તાજેતરમાં જ ટિ્વટર પર આવ્યા છે. ત્યારબાદ તેઓ સક્રીય થઇ ગયા છે અને સોશિયલ મીડિયા દ્વારા દરેક મુદ્દા પર ટિ્વટ કરે છે.