(એજન્સી) તા.૨૦
અયોધ્યા કેસમાં ૯ ઓગસ્ટના રોજ વકીલ કે પરાશરને સુપ્રીમકોર્ટમાં એવું જાહેર કર્યુ હતું કે અયોધ્યામાં બધુ દેવતાઓની માલિકીનું જ છે. બાબરી મસ્જિદ-અયોધ્યા વિવાદ કેસમાં આ મહિને આરંભાયેલ દૈનિક સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટના પાંચ ન્યાયમૂર્તિઓની બંધારણી બેંચ સમક્ષ તેમણે આવી દલીલ કરી હતી.
વિવાદના મૂળમાં અયોધ્યાની ૨.૭૭ એકર જમીન રહેલી છે. આ જમીનના પ્લોટ પર બાબરી મસ્જિદ ઊભી હતી જેનો ૧૯૯૨માં હિંદુવાદી કાર્યકરો દ્વારા ધ્વંસ કરાયો હતો. હિંદુવાદી કાર્યકરોનો દાવો છે કે આ રામજન્મભૂમિ સ્થળ છે. આ વિવાદની અદાલતમાં શરુઆત ૧૯મી સદીમાં થઇ હતી પરંતુ જ્યારે મસ્જિદના કેન્દ્રીય ગુંબજ હેઠળ રામની મૂર્તિનું પ્રતિષ્ઠાપન ૧૯૪૯માં કરવામાં આવ્યું ત્યારે આ વિવાદ વધુ વણસ્યો હતો.
આમ રામલલ્લાની મૂર્તિ આ વિવાદમાં એક પક્ષકાર બની ગઇ છે. હવે જ્યારે સુપ્રીમકોર્ટમાં આ કેસ આખરી તબક્કામાં છે ત્યારે બિરાજમાન રામલલ્લા વતી તેમજ અનુમાનિત રામજન્મભૂમિ વતી વકીલ પરાશરને એવો દાવો કર્યો હતો કે સમગ્ર વિવાદી પ્લોટ રામલલ્લાની માલિકીનો છે. પરંતુ અહમ પ્રશ્ન એ છે કે રામલલ્લા અયોધ્યા વિવાદમાં પક્ષકાર કઇ રીતે બન્યા અને તેનાથી ખરેખર કોને લાભ થશે ? રામલલ્લાનું ખરેખર કોણ પ્રતિનિધિત્વ કરી રહ્યું છે? રામલલ્લા અને તેમના જન્મસ્થાન બંનેનું પ્રતિનિધિત્વ ટાઇટલ દસ્તાવેજમાં મિત્રો દ્વારા થઇ રહ્યું છે. ૧૯૮૦થી રામના આવા ત્રણ મિત્રોે જોવા મળે છે આ ત્રણેય મિત્રોને વિશ્વહિંદુ પરિષદ અને આરસએસ જેવા સંઘ પરિવાર સંગઠનો સાથે ગાઢ કનેક્શન છે. જો સુપ્રીમકોર્ટ રામલ્લલાની તરફેણમાં ચુકાદો આપશે તો આ મિત્રો જમીનના કસ્ટોડીયન બની જશે. આમ જમીન પર સંઘ પરિવારનો કબજો આવી જશે.