(એજન્સી) ઇટાનગર, તા. ૧૯
વડાપ્રધાન મોદીના રાષ્ટ્રવાદની ઓળખો અંગે સવાલ કરતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે આરોપ લગાવ્યો હતો કે, તેમણે ચીનના નેતા શી જિનપિંગ સાથે બેઠકો દરમિયાન ભારતની અખંડિતતાનો મુદ્દો કેમ ના ઉઠાવ્યો. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, કેટલાક વર્ષ પહેલા ચીનના પ્રમુખ ગુજરાતમાં આવ્યા ત્યારે સરહદના પ્રશ્ન અંગે વડાપ્રધાન એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. તેમની સાથે તેઓ ચા પીતા નજરે પડ્યા પણ શી જિનપિંગ સમક્ષ સરહદ મુદ્દે તેમણે એક શબ્દ પણ ના ઉચ્ચાર્યો. અરૂણાચલ પ્રદેશમાં સભા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી ચીનના પ્રવાસે ગયા તો પણ તેમણે ડોકલામ મુદ્દે કોઇ વાત ના કરી. નોંધનીય છે કે, ભારત અને ચીન વચ્ચે સરહદ પર એકબીજાની સીમામાં ઘૂસણખોરીના આરોપ લાગતા રહે છે પરંતુ કોઇ ઉકેલ આવતો નથી. ૨૦૧૭માં ચીનની સેના ડોકલામમાં ઘૂસી આવી હોવા છતાં ભારત સરકાર દ્વારા કોઇ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હતા.
રાહુલે કહ્યું કે, જ્યારે મોદી દેશની અખંડિતતાના મુદ્દો ઉઠાવતા નથી ત્યારે તેઓ કઇ રીતે પોતાને દેશભક્ત ગણાવે છે ? દેશને આવા દેશભક્તની જરૂર નથી. આના કરતા તો અરૂણાચલપ્રદેશના લોકો વધુ દેશભક્ત છે જેઓ દેશની અખંડિતતાને પોતાની જાતે બચાવે છે. તેમણે કહ્યું કે, દુઃખદ સરહદી સવાલ અંગે મોદી કોઇ એજન્ડા વિના જ ચીનના પ્રવાસે પહોંચી ગયા હતા. આ પહેલા જૈશે મોહંમદના વડા મસૂદ અઝહરને યુએનમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત કરવાના ઠરાવ સામે ચીન દ્વારા વિરોધ કરાતા રાહુલ ગાંધીએ મોદીને ચીનના રાષ્ટ્રપતિ સામે ભયભીત અને નબળા ગણાવ્યા હતા. રાહુલ ગાંધીએ કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલામાં ૪૦ સીઆરપીએફ જવાનો શહીદ થવા અંગે કહ્યું કે, જ્યારે દેશ આખો દુઃખમાં હતો ત્યારે મોદી નેશનલ કોર્બેટ પાર્કમાં પોતાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા. કેટલીક જાતિઓને અરૂણાચલપ્રદેશમાં કાયમી રહેણાંક પ્રમાણપત્રના વિરોધ દરમિયાન પોલીસ ફાયરિંગમાં તાજેતરમાં જ થયેલી ત્રણ લોકોની હત્યા અંગે તેમણે કહ્યું કે, શું ત્યાં કોઇ પોલીસ ફાયરિંગની જરૂર હતી ? આકરા પગલાં લીધા વિના આ મુદ્દો બીજી કોઇ રીતે ઉકેલવો જોઇતો હતો. કોઇ તેમની સામે ઉભો થાય તેને દબાવવાની પ્રકૃત્તિ ભાજપની છે.