(એજન્સી) તા.૧૦
સુનંદા પુષ્કર મૃત્યુ કેસના સમાચારો કવર કરતી વખતે પોતે ઉશ્કેરણીજનક ભાષા નહીં બોલે અને સમાચારો પ્રસારિત કરતી વખતે સંયમ દાખવશે એવી પોતે આપેલી બાંહેધરીનું અક્ષરસઃ પાલન કરવા દિલ્હી હાઈકોર્ટે રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીને ગુરૂવારે આદેશ આપ્યો હતો, એમ લિગલ ન્યૂઝ પ્રસારિત કરી વેબસાઈટ બરાન્ડ બેન્ચ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા એક અહેવાલમાં કહ્યું હતું. જવાબદારીપૂર્વકનું પત્રકારત્વ એ આજના સમયની તાતી માંગ છે, એમ હાઈકોર્ટે અવલોકન વ્યક્ત કર્યું હતું.
ગત જાન્યુઆરી-૨૦૧૭માં ભેદી સંજોગોમાં મૃત્યુ પામેલી સુનંદા પુષ્કરના મૃત્યુ કેસમાં એક માત્ર આરોપી એના સુનંદાના પતિ અને કોંગ્રેસના નેતા શશી થરૂરે દાખલ કરેલી અરજીની સુનાવણી હાઈકોર્ટના સિંગલ જજ મુક્તા ગુપ્તા કરી રહ્યા હતા તે દરમ્યાન તેમણે રિપબ્લિક ટીવીના તંત્રી ગોસ્વામીને પોતાની બાંયેધરીનું પાલન કરવાની તાકીદ કરી હતી. સુનંદા પુષ્કરના મૃત્યુ સમયે રિપબ્લિક ટીવી દ્વારા જે સમાચારો પ્રસારિત કરાયા હતા તેમાં ન્યૂઝ ચેનલે શશી થરૂરની બદનક્ષી થાય એવા સંખ્યાબંધ નિવેદનો અને ખોટી માહિતીનું પ્રસારણ કર્યું હતું તેથી થરૂરે રિપબ્લિક ટીવી વિરૂદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અર્નબ ગોસ્વામી વિરૂદ્ધ બદનક્ષીનો દાવો માંડી નુકસાન પેટે વળતર ચૂકવવાની દાદ માંગતી અરજી કરી હતી. પોતાની અરજીમાં થરૂરે પોતાની વિરૂદ્ધ બદનક્ષીયુક્ત આરોપો મૂકતા અનર્બ ગોસ્વામીને અંકુશમાં રાખવા અને સંયમ રાખવા વચગાળાનો મનાઈ હુકમ આપવાની પણ દાદ માંગી હતી. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, રિપબ્લિક ટીવી ચેનલના ગોસ્વામી દ્વારા જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અનેક પ્રસંગોએ તેમના વિરૂદ્ધ બદનક્ષીયુક્ત માહિતીનું પ્રસારણ કરાયું હતું. આ માહિતીમાં એવો દાવો કરાયો હતો કે, અર્નબ ગોસ્વામીએ દિલ્હી પોલીસની તુલનાએ આ કેસમાં ઘણી સારી રીતે તપાસ કરી હતી અને તેને હવે કોઈ શંકા રહી નહોતી કે સુનંદાનું મૃત્યુ નહીં પરંતુ હત્યા થઈ હતી. આ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે. સુનંદાનું મૃત્યુ નહીં પરંતુ હત્યા થઈ હતી, એમ કહીને કોઈ વ્યક્તિ કેવી રીતે કોઈને ગાળો આપી શકે ? આવું કેવી રીતે થઈ શકે ?, એમ શશી થરૂર વતી કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી.