(એજન્સી) અનાદોલુ,તા.૨૯
એમનેસ્ટીની નવી તપાસમાં બહાર આવ્યું છે કે ફ્રાન્સે લેબેનોનને વિરોધો રોકવા માટેના સંસાધનો વેચ્યા હતા. જેના લીધે સુરક્ષાબળોએ સરકાર વિરોધી આંદોલનો દરમિયાન વિરોધીઓ સામે પગલાં લેવા માટે વધુ પડતા બળનું ઉપયોગ કર્યો હતો. એમનેસ્ટી ઇન્ટરનેશનલે બહાર પાડેલ રિપોર્ટમાં જણાવ્યું છે કે તેમને મોટા પ્રમાણમાં ટીયર ગેસના શેલ, મરચાંના સ્પ્રે, રબરની ગોળીઓ અને વાહનોની માહિતી મળી હતી જે વાહનો સુરક્ષા જવાનોને સ્થળાંતર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ૨૦૧૫થી ૨૦૨૦ દરમિયાન સરકાર વિરુદ્ધ સામૂહિક પ્રદર્શનો થયા હતા જેને ખાળવા માટે આ સાધનો મોકલાયા હતા. આ સાધનોનો ઉપયોગ ઓક્ટોબર ૨૦૧૯થી ઓગસ્ટ ૨૦૨૦ સુધી મોટા પાયે કરાયો હતો. જે વખતે સરકાર સામે શહેરો અને ગામડાઓમાં વ્યાપક અસંતોષ ઊભો થયો હતો અને મોટા પાયે પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. દેશમાં મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર વધી જવાથી સરકારની નિષ્ફળતાઓ છતી થઇ હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને આંતરરાષ્ટ્રીય કોન્ફરેન્સ યોજી હતી જેમાં બધા દેશોને બૈરૂતને મદદ કરવા વિનંતી કરી હતી અને લેબેનોનની રાજકીય પાર્ટીઓને ૬ અઠવાડિયાનો સમય આપી ચેતવણી આપી હતી કે તેઓ સુધારાઓનો અમલ કરે અને રાજકીય પરિવર્તન કરે અન્યથા એમની ઉપર પ્રતિબંધો લાદવામાં આવશે. એમનેસ્ટીએ ફ્રાંસના નિવેદનને ધ્યાનમાં રાખી લેબેનોન પ્રત્યે એમની વધુ જવાબદારી તરફ ધ્યાન ખેંચ્યું હતું. સુરક્ષા બળો દ્વારા કરાયેલ માનવ અધિકારોના ભંગ માટે લેબેનોનના અધિકારીઓ જવાબદાર છે. જોકે ફ્રાંસ લેબેનોનને એક મુખ્ય સાધનો વેચનાર દેશ છે જેથી માનવ અધિકારોના ભંગમાં એમની પણ ભૂમિકા ગણાવી શકાય.