(એજન્સી) તા.૩
લેબેનોનના પૂર્વ વડાપ્રધાન રફિક હરીરીની હત્યા કરનાર આરોપીને ૧૧મી ડિસેમ્બરે સજા સંભળાવવામાં આવશે. ફરિયાદ પક્ષે ૫૭ વર્ષીય આરોપી સલીમ અયયાશને આગામી અઠવાડિયે જન્મટીપની સજાનો સામનો કરવા જણાવ્યું છે.
હરીરીની ૨૦૦૫ના વર્ષમાં હત્યા કરાઈ હતી, જેમાં અયયાશને નેધરલેંડ આધારિત લેબેનોન માટે રચાયેલ સ્પેશિયલ ટ્રિબ્યુનલે અબ્સેનિયામાં ૧૮મી ઓગસ્ટે દોષિત ઠરાવ્યો હતો.
હિઝબુલ્લાહ નેતા હસન નાસરલ્લાહે આરોપીઓને આંતરરાષ્ટ્રીય કોર્ટને સોંપવા ઇનકાર કરાયા પછી અયયાશ સમેત ચારેય આરોપીઓમાંથી કોઈ પણ ટ્રાયલ માટે હાજર રહ્યા ન હતા. અયયાશના ત્રણેય સહ આરોપીઓને બધા આક્ષેપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા કારણ કે એમની સામે પૂરતા પુરાવાઓ ન હતા.
જોકે ૫૭ વર્ષીય અયયાશ પાંચ આક્ષેપો માટે દોષિત જણાયો હતો જેમાં હરીરી સમેત અન્ય ૨૧ વ્યક્તિઓની હત્યા માટે યોજના ઘડવાનો આક્ષેપ પણ સામેલ હતો.
જો કે જજોએ કહ્યું કે ડી.એન.એ.ના પુરાવાઓના આધારે કહી શકાય છે કે જે બ્લાસ્ટમાં હરીરીનું મોત થયું હતું એ બ્લાસ્ટ એક આત્મઘાતી બોમ્બરે કર્યો હતો જેની ક્યારે પણ ઓળખ થઇ શકી ન હતી.
હરીરી લેબેનોનમાં મોટા ઉદ્યોગપતિ હતા અને તેઓ બે વખત લેબેનોનના વડાપ્રધાન રહી ચુક્યા હતા. એમણે એમના મૃત્યુ પહેલા ૨૦૦૪ના વર્ષમાં લેબેનોનના રાજકારણમાં સીરિયાની દખલગીરીના વિરોધમાં રાજીનામું આપ્યું હતું.
હરીરીની હત્યા ૧૪ ફેબ્રુઆરી ૨૦૦૫ના વર્ષમાં કરાઈ હતી. તેઓ પોતાના કાફલા સાથે જઈ રહ્યા હતા એ દરમિયાન એક વાનમાં ૧૮૦૦ કિલોગ્રામ ટી.એન.ટી. છુપાયેલ હતો એને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જે ઘટનામાં હરીરી, એમના અંગ રક્ષકો, નાણામંત્રી અને અન્યો મળી કુલ ૨૨ વ્યક્તિઓનાં મોત થયા હતા. આ કેસનો ચુકાદો ૧૫ વર્ષ પછી આવ્યો છે જેમાં લગભગ ૧ બિલિયન ડોલરનો ખર્ચ થયો છે.