Ahmedabad

વકફ બોર્ડ દ્વારા કબ્રસ્તાનના ટ્રસ્ટીઓને દફનવિધિમાં સાથ સહકાર આપવા અનુરોધ

અમદાવાદ, તા.૮
હાલના કોરોના વાયરસના હાહાકારમાં અનેક લોકોનાં મોત થયા છે જેમાં મુસ્લિમ સમાજના વ્યક્તિનું અવસાન થાય. ત્યારે તેવા સંજોગોમાં કેટલાક લોકો દ્વારા કબ્રસ્તાનમાં દફનવિધિ કરવા દેવામાં આવતી નથી. આ અંગે ગુજરાત રાજ્ય વકફ બોર્ડે જે તે કબ્રસ્તાનના મુતવલ્લી ટ્રસ્ટી મંડળને આ દફનવિધિમાં સાથ-સહકાર આપવા અનુરોધ કર્યો છે નહીં તો વકફ સુધાર અધિનિયમન ર૦૧૩ હેઠળ કડક કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, કોરોના કોવિડ મહામારીમાં મૃત્યુ પામેલ વ્યક્તિનો કેટલાક શખ્સો દ્વારા વિરોધ કરી કબ્રસ્તાનોમાં દફનવિધિ કરવા દેવામાં આવતી નથી. જે અંગે ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર ખાતે નોંધાયેલ કે નહીં નોંધાયેલ તમામ કબ્રસ્તાન કમિટીના મુતવલ્લીઓને વિના અવરોધે દફનવિધિ કરવા તથા સંપૂર્ણ સાથ-સહકાર આપવા અનુરોધ કર્યો છે. તથા શબ-એ-બરાતની પવિત્ર રાત્રે પોતપોતાના ઘરમાં રહી ઈબાદત કરવા અને લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી કરી છે.