પાક-મરીન દ્વારા અત્યાર સુધી ૧ર૦૦ બોટનું અપહરણ : મોઢવાડિયા
કેન્દ્ર સરકાર આં.રા. ફોરમમાં રજૂઆત કરી ભારતીય માછીમારોને મુક્ત કરાવે
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૬
ગુજરાતના માછીમારો ઉપર પાકિસ્તાન મરીન દ્વારા ગોળીબાર કરવાની ઘટના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ચાર્જ સંભાળ્યા બાદ ત્રીજી ઘટના છે. અત્યાર સુધી પાક. મરીન સિકયુરીટી એજન્સી દ્વારા ૧ર૦૦ જેટલી બોટનું અપહરણ કર્યું છે અને ૬૦૦ જેટલા માછીમાર ભાઈઓ પાકિસ્તાનની જેલમાં બંધ છે. ત્યારે કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય ફોરમમાં રજૂઆત કરી પાકિસ્તાન ઉપર દબાણ લાવી ગુજરાતના માછીમારોને મુકત કરાવે તેવી કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ માંગ કરી છે. પાકિસ્તાને ફરી એકવાર પોત પ્રકાશી અરબી સમુદ્રમાં માછીમારી કરી રહેલ ર બોટો ઉપર ફાયરીંગ કરી એક બોટ અને ૬ માછીમારોનું અપહરણ કર્યું હતું. આ ફાયરીંગમાં એક માછીમારનું મોત થયું છે. તેમજ એક માછીમાર ભાઈ ઘાયલ થયો છે. ત્યારે આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ચાર્જ સંભાળ્યા બાદ ભારતીય માછીમારો ઉપર ફાયરીંગની આ ત્રીજી ઘટના છે. અત્યાર સુધી ૧,ર૦૦ જેટલી બોટનું પાકિસ્તાન મરીન સિકયુરિટી દ્વારા અપહરણ કરી કબજામાં લીધેલ છે. તેમજ ૬૦૦ જેટલા માછીમાર ભાઈઓ પાકિસ્તાનની જેલોમાં બંધ છે. પરંતુ વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા આ માછીમાર ભાઈઓ કે તેમની બોટોને મુકત કરાવવા માટેના કોઈ જ પ્રયત્ન કરવામાં આવી રહ્યા નથી. સમાયાંતરે ભારત-પાકિસ્તાન એક બીજાના માછીમાર ભાઈઓને મુકત કરતા હતા એ પ્રક્રિયા પણ વર્તમાન સરકારમાં બંધ થઈ ગયેલ છે. અર્જુન મોઢવાડિયાએ ભારત સરકાર અને વડાપ્રધાનને વિનંતી કરી છે કે આ ગુજરાતનો સળગતો પ્રશ્ન છે. તાકીદે તેના ઉપર ધ્યાન કેન્દ્રીત કરી ઉકેલ લાવવામાં આવે, પાકિસ્તાન ના માને તો આંતરરાષ્ટ્રીય ફોરમમાં તેની રજૂઆત કરી દબાણ લાવે અને પાકિસ્તાનની કેદમાં રહેલ માછીમારો મુકત થઈ વતન પરત ફરે અને અરબી સમુદ્રમાં માછીમારી કરતા ભારતીય માછીમારોને આવી કનડગતનો સામનો ના કરવો પડે તેવી વ્યવસ્થા કરે. જે માછીમાર ભાઈનું પાકિસ્તાન મરીનના ફાયરીંગમાં મોત થયેલ છે તેમના પરિવારને વળતર ચુકવવામાં આવે અને જે માછીમાર ભાઈઓની બોટ પાકિસ્તાનના કબજામાં છે તેમને નવી બોટ બનાવવા માટે અગાઉની યુપીએ સરકારે જે પેકેજ શરૂ કરેલ તેને ફરી શરૂ કરવામાં આવે.