(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૧૦
વડોદરા શહેર જિલ્લામાં બનેલા માર્ગ અકસ્માતના વિવિધ બનાવોમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજયા હતા. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રથમ બનાવમાં, શહેરના સયાજીપૂરા ગામમાં રહેતા અબ્દુલ સતાર સલાટ પોતાના મિત્રની ઇકો કાર લઈને પરિવાર સાથે રાજસ્થાન લગ્નમાં હાજરી આપવા ગયા હતા. ત્યાથી પરત ફરતા સમયે આજવા રોડ પર આવેલ રવાલ ગામની સીમમાં પસાર થતા ટ્રેકટર સાથે અકસ્માત સર્જાતા કારમાં સવાર તેમના બહેન રિઝવાના બાનુ, બનેવી શબ્બીર અલી સલાટ અને પુત્ર અલમાસ સલાટ ને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યા ટૂંકી સારવાર બાદ રિઝવાનાબાનુ નું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં શહેર નજીક પોર પાસે ચોકડી પર રસ્તો ઓળંગી રહેલા ૩૮ વર્ષીય વેદપ્રકાશ ચતુર્વેદીને પુરપાટ ઝડપે જતી ટ્રકે અડફેટેમાં લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત વેદપ્રકાશનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલિસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે છેલ્લા બનાવમાં, સમા વિસ્તારમાં રહેતા ગોવર્ધનભાઈ યાદવ પોતાની બાઇક લઈ દુમાડ ચોકડી પર થી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પુરઝડપે જતી મીની બસના ચાલકે તેમની બાઇક ને અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત ગોવર્ધન ભાઈનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.