(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૩૦
વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં કોરોના મહામારી વચ્ચે પરીક્ષાઓ લેવાઈ રહી છે. જેને લઈ વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ફેલાવાની ભીતિ રહેલી હોય વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા એક સપ્તાહથી ઓફલાઈન પરીક્ષાની સાથે વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષાનું વિકલ્પ આપવાની માંગ કરી રહી છે. તેમ છતાં કુલપતી દ્વારા કોઈ પગલા ભરવામા નહી આવતા થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શન કર્યા બાદ આજે વિદ્યાર્થીઓ અને સીન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહિત દ્વારા ડીજીટલ ઈન્ડિયા અને કુલપતિના પુતળાનું દહન કરી સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. પુતળા દહન અને સુત્રોચ્ચાર બાદ વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીની સામે માર્ગ પર બેસી જઈ ચક્કાજામ કર્યું હતું. જેથી પોલીસ દ્વારા સીન્ડીકેટ સભ્ય અલ્પશ પુરોહિત, એનએસયુઆઈના નેશનલ કો.ઓર્ડીનેટર ચેતના રોય, વિદ્યાર્થી જયમીન પટેલ સહિત વિદ્યાર્થીઓની અટકાયત કરી તેઓને પોલીસ મથકમાં લઈજવામાં આવ્યા હતા. આ અંગે સીન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહિતે જણાવ્યું હતું કે, એકતરફ વડાપ્રધાન ડીજીટલ ઈન્ડિયાનો નારો આપી તમામ વ્યવહારો ડીજીટલ કરવાની અપીલ કરી રહ્યા છે તેમજ શાળા કોલેજો બંધ હોય શિક્ષણ ડીજીટલ સ્વરુપે થઈ રહ્યું ત્યારે પરીક્ષાઓ ડીજીટલ સ્વરુપે લેવામાં કુલપતીને શું વાંધો આવી રહ્યો છે. તે સમજાતું નથી. જેથી આજે વિદ્યાર્થીઓ ડીજીટલ ઈન્ડિયા અને કુલપતીના પુતળાનું દહન કરી ડીજીટલ ઈન્ડિયા એક લોલીપોપ છેના સુત્રોચ્ચાર કર્યા હોવાનું જણાવ્યું હતું.
(તસવીર : બુરહાન પઠાણ, આણંદ)