જામનગર, તા.૧૯
કલ્યાણપુરના ભાટિયામાં રહેતા એક પરિવારની પુત્રીને વળગાડ થયો હોવાની આશંકા પડ્યા પછી એક ભૂવાએ પોતાની માયાજાળમાં તે પરિવારને લપેટી આ તરૂણીને રાત્રિના સમયે ખેતરમાં લઈ જઈ પાશવી દુષ્કર્મનો ભોગ બનાવી છે. પોલીસે પાખંડી ભૂવાની શોધ શરૂ કરી છે.
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં રહેતા એક પરિવારની પોણા ચૌદ વર્ષની વયની પુત્રી થોડા વખતથી બીમાર રહેતી હોય તેણીના માતા-પિતાએ આ તરૂણીને વળગાડ થયો હોવાની આશંકા સેવી ભાટવડિયામાં રહેતા અને ભૂવા તરીકે ઓળખાતા ભરત કરશનભાઈ સોનગરા નામના શખ્સનો સંપર્ક કર્યો હતો.
આ શખ્સે પોતે મોટો જાણકાર હોય તેવો ડોળ કર્યા પછી આ તરૂણી પર અમુક વિધિઓ કરવી પડશે તેમ કહી અવારનવાર આ તરૂણીને પોતાની પાસે લાવવાનું કહ્યું હતું તે દરમ્યાન ગઈ તા.૧૫ના દીને આ તરૂણીના માતા-પિતાને રાત્રિના સમયે તે સગીરાને વળગાડ કાઢી આપશે, તે માટે ખેતરમાં લઈ જવી પડશે તેમ કહેતા આ શખ્સની માયાજાળમાં આવી ગયેલા માતા-પિતા શુક્રવારની રાત્રે તે તરૂણીને ધતીગિયા શખ્સ ભરત સોનગરા પાસે લઈ ગયા હતા.
આ સગીરાને માતા-પિતા પાસેથી લઈ જઈ ભરતે ખેતરમાં પહોંચ્યા પછી આ સગીરાની નાસમજીનો લાભ લઈ તમામ વસ્ત્રો દૂર કરાવી ભભૂતી લગાડવી પડશે તેમ કહ્યા પછી તેણી પર દુષ્કર્મ ગુજારી કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. અચાનક આ પ્રકારનું કૃત્ય થતા હેબતાયેલી તરૂણીએ ઘેર પહોંચ્યા પછી માતા-પિતાને હકીકત વર્ણવતા ગઈકાલે સવારે જામકલ્યાણપુર પોલીસ સ્ટેશને દોડી ગયેલા તેણીના પરિવારે પોલીસ સમક્ષ વિતક વર્ણવતા પોલીસે આ તરૂણીની માતાની ફરિયાદ પરથી ભરત સોનગરા સામે આઈપીસી ૩૭૬ (૩), ૫૦૬ (૨), પોકસો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની શોધ શરૂ કરી છે.
આ ચકચારી ગુનાની તપાસ કલ્યાણપુર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી જેમાં દ્વારકા શહેર પોલીસ તથા દ્વારકા એલસીબીનો સ્ટાફ જોડાયો હતો. ઉપરોક્ત ટૂકડીમાં પીઆઈ પી.એ. દેકાવડિયા, પીએસઆઈ ઝેડ.એલ. ઓડેદરા, પીએસઆઈ કે.એન. ઠાકરિયા સ્ટાફના એએસઆઈ શ્યામભાઈ, ભરતસિંહ નરસિંહભાઈ સોનગરા, અરજણભાઈ ચંદ્રાવડિયા, કેશુરભાઈ, કાનાભાઈ, અરજણ મારૂ, વિજાભાઈ, હરદાસ ચાવડા, સુમાતભાઈ વગેરે આરોપીની શોધ આરંભી હતી.
તે દરમ્યાન આરોપી ભરત સોનગરાની બાતમી મળી જતા વોચમાં ગોઠવાયેલી ઉપરોક્ત ટૂકડીએ ગઈકાલે સાંજે તેની ભાટિયા ચોકડી નજીકથી અટકાયત કરી પૂછપરછ આરંભી છે.