Site icon Gujarat Today

વાગરાના ખડખંડાલી માર્ગ પર બાઈકચાલક પર પથ્થરમારાથી ફફડાટ

(સંવાદદાતા દ્વારા) વાગરા, તા.૩૦
વાગરા-આમોદ માર્ગ ઉપરથી પસાર થઈ રહેલા બાઇકચાલક પર પત્થર વર્ષા થતા ગભરાઈ ગયેલા ચાલકે નજીકના ગામે જઈ કેફિયત રજૂ કરતા ગામ લોકો ના ટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા.
વાગરાથી આમોદ જવાના માર્ગે ગત મધરાત્રીની આસપાસ બાઇક સવાર પર પત્થર બાજી થયાની ઘટના પ્રકાશમાં આવી હતી. કેરવાડાનો એક યુવાન રાતના બાર વાગ્યાની આજુબાજુ વાગરાથી કેરવાડા ગામે જતો હતો. ત્યાં એકાએક ખડખંડાલી ગામ પહેલા આવેલ મોટા નાળા પાસેથી પસાર થતા જ પથ્થરોનો વરસાદ થયો હતો. જેમાં યુવાન આબાદ બચી ગયો હતો. જ્યારે બાઇકને એક બે પથ્થર વાગ્યા હતા. એકાએક થયેલ પથ્થરબાજીને પગલે ગભરાઈ ગયેલા યુવકે પુરપાટ ઝડપે મોટરસાઇકલને ભગાડી મૂકી હતી. જો કે નજીકમાં ગામ આવી જતા તેણે હેમખેમ ગાડી ઉભી રાખી ગામ લોકોને પથ્થર મારાની વાત જણાવતા ઘટના સ્થળે ગામ લોકો દોડી ગયા હતા અને ખેતરો ખૂંદયા હતા. તેઓને રોડની બાજુમાં આવેલ ખેતરમાં પથ્થરનો ઢગલો જોવા મળ્યો હતો. જ્યારે માર્ગ ઉપર છુટા છવાયા પથ્થર પડેલા નજરે પડયા હતા. આ અંગે એક જાગૃત નાગરિકે વાગરા પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. આ વાત વાયુ વેગે પંથકમાં પ્રસરી જતા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં રીતસરનો ભય ફેલાઈ જવા પામ્યો હતો.
સાથે વાગરા-કેરવાડા માર્ગ પર પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે.નાળાની વચ્ચે બે મોટા પથ્થર મુક્યા હતા જેને લઈને એટલો ક્યાસ લગાવી શકાય કે કોઈ ટોળકી વાહન ચાલકોને નિશાન બનાવવાના ફિરાકમાં હોવાનું અનુમાન નકારી શકાય તેમ નથી.

Exit mobile version