ભરૂચ, તા.૭
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સુવા ગામમાં ખેતીની જમીનનું ખાનગી કંપનીઓ દ્વારા સંપાદન થતાં અહીંના બેરોજગાર યુવાનોને નોકરી મળે તે માટે આજે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સમક્ષ એક લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર દ્વારા ઔદ્યોગિક વિકાસ અર્થે ભરૂચના વાગરા તાલુકાના સુવા ગામમાં જીઆઈડીસી. મારફતે ખાનગી કંપનીઓને ખેતીની જમીનો સંપાદન કરવામાં આવેલી હતી. આ વિસ્તારના ખેડૂતોએ દેશના વિકાસની ભાવનાને અર્થે પોતાની ખેતીની જમીનો નજીવા વળતરમાં આપી દીધેલ જ્યારે આ ખેતીની જમીન સંપાદન થઈ ત્યારે ગામના ખેડૂતોને લોભામણી નોકરીની લાલચ આપવામાં આવી હતી, જેમાં સર્વે નંબર દીઠ એક વ્યક્તિને નોકરી આપવામાં આવશે. ઉપરાંત એક ખાતાદીઠ એક ઔદ્યોગિક પ્લોટ ફાળવવામાં આવશે. તેમજ આ વિસ્તારના ગામોને પાણી, રસ્તા, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા જેવા વચનો વર્ષ ૧૯૯૩ની સાલમાં આપવામાં આવ્યા હતા. પરંતુ આજે અમારા ગામના ખેડૂતો બેકારીનો શિકાર બની ગયા છે તેમ છતાં લેન્ડ લુઝર એસોસિએશનના એકપણ વ્યક્તિને અહીંની કંપનીએ નોકરી આપી નથી.
જે-તે સમયે જમીન સંપાદન કરતી વખતે લેખિત બાંહેધરી આપવામાં આવી હતી. ત્યારબાદ અહીં ઓએનજીસી એડિશન્સ લિમિટેડ (ઓપાલ) કંપનીની સ્થાપનાના સમયે નોકરીની રજૂઆતો કરવામાં આવતા કંપનીના સત્તાવાળાઓએ માત્ર બાંહેધરી જ આપી સુવા ગામના યુવાનોને નોકરી ન આપી કંપની દ્વારા અમોને આપેલા કોઈ વચનો પૂર્ણ કરેલ નથી. આથી આજે અમોએ લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે, અમારા વિસ્તારના લેન્ડ લુઝરને અહીં રોજગારી પ્રાપ્ત થાય.