Ahmedabad

વિદ્યાર્થીઓમાં ગેરશિસ્ત ચલાવી લેવામાં નહીં આવે

અમદાવાદ, તા.ર૦
અમદાવાદમાં ભાજપના પૂર્વ સિન્ડીકેટ મેમ્બર અને યુથ કોંગ્રેસના પૂર્વ સેનેટ મેમ્બરે ગઇકાલે યુનિવર્સિટીમાં લાઈફ સાન્યસના પ્રોફેસરની કેબિનમાં ઘુસી તોડફોડ કરી અને પ્રોફેસરનું ગળુ પકડી લાફો મારી દીધો હતો. તે ઉપરાંત મહિલા કર્મચારીઓની હાજરીમાં અપશબ્દો પણ બોલ્યા હતાં. આ ઘટનાને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ વખોડી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ આ ઘટનાને વખોડતા કહ્યું કે, ‘વિદ્યાર્થીઓમાં આ પ્રકારનું ગેરશિસ્ત ચલાવી લેવામાં નહીં આવે. આની તપાસ કરવામાં આવશે. મેં વાઇસ ચાન્સેલર સાથે વાત કરી છે. આમાં યોગ્ય પગલા લેવામાં આવશે.’ગુજરાત યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીમાં એમસીએસસી-પીજીના વિવિધ કોર્સીસ ચાલે છે જેમાં લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં ફુડ સાયન્સ એન્ડ ન્યુટ્રિશનના બે વર્ષના પીજી કોર્સમાં ભણતી એક વિદ્યાર્થિનીની ત્રીજા સેમેસ્ટરમાં હાજરી ૩૭ ટકા જેટલી ઓછી હતી. જેના કારણે તેને પરીક્ષાનું ફોર્મ ભરવા દેવામાં આવ્યું ન હતું. જે પછી વિદ્યાર્થિની માટે ભાજપના પૂર્વ સીન્ડીકેટ મેમ્બર ગીરિશ ચૌધરી અને યુથ કોંગ્રેસના કાર્યકર તેમજ પૂર્વ સેનેટ મેમ્બર ભાવિન રાઠોડ લાઈફ સાયન્સ ડીપાર્ટમેન્ટમાં પ્રોફેસર પાસે આવ્યા હતા અને પરીક્ષા ફોર્મને મંજૂર કરવા માટે તેમણે દાદાગીરીનો રસ્તો અપનાવ્યો હતો. તેમણે પ્રોફેસરનું ગળુ પકડીને લાફો પણ મારી દીધો હતો. આ ધમાલને કારણે મહિલા કર્મચારીઓ ત્યાં દોડી આવ્યા હતા.