Ahmedabad

વિધાનસભામાં ખેડૂતોના પ્રશ્નો મુદ્દે આક્ષેપબાજીએ મચાવી ધાંધલ : ધારાસભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચાયું

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૩
ગુજરાત વિધાનસભામાં આજે સવારથી બજેટ સંદર્ભની શાંત અને એવરેજ ચર્ચા દરમ્યાન છેક બપોરે પ્રથમ બેઠક પૂર્ણ થવાના થોડાક સમય પહેલા જ કૃષિમંત્રીના જવાબરૂપી સંબોધન દરમ્યાન ખેડૂતોના પ્રશ્નો મુદ્દે રાજકીય આક્ષેપો થતા ગૃહમાં હોબાળો સાથે વાતાવરણ ગરમ થઈ જવા પામ્યું હતું. તેમાં આજે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કડક અને આકરૂં અભિગમ અપનાવી ખેડૂતોના પ્રશ્નો અંગે રજૂઆત કરતા કોંગ્રેસના ધારાસભ્યને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કરતા તેના વિરોધમાં કોંગ્રેસના તમામ સભ્યોએ ગૃહમાં ઉભા થઈ દેકારો મચાવી દીધો હતો. ભારે સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવતા કોંગ્રેસના સભ્યો વેલમાં ધસી આવી દેખાવો કરતા તે તમામને અધ્યક્ષે આખા દિવસની ગૃહની કામગીરીમાંથી સસ્પેન્ડ કરી દેવાના હુકમો જારી કરી બધાને ગૃહની બહાર લઈ જવા સાર્જન્ટસને જણાવ્યું હતું જો કે બપોર પછીની બીજી બેઠકમાં કોંગ્રેસના દંડક અને સંસદીય મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રજૂઆત કરતા અધ્યક્ષે તમામ સભ્યોના સસ્પેન્શન રદ કરી દીધા હતા.
વિધાનસભાના વર્તમાન બજેટ સત્રમાં નવા અધ્યક્ષ તરીકે વરાયેલ વડોદરાના ધારાસભ્ય તથા એડવોકેટ રાજેન્દ્ર ત્રિવેદી પ્રારંભના દિવસથી જ કડક રીતે ગૃહની કાર્યવાહીનું સંચાલન કરી રહ્યા છે. કડક શિક્ષક અથવા હેડમાસ્ટર તોફાની બાળકોને અંકુશમાં લેતા હોય છે તે રીતે જ કંઈક ગૃહમાં બેઠા બેઠા બોલતા સભ્યો હોય કે ઉભા થઈને વારેઘડિયે કંઈક બોલવા માગતા ધારાસભ્યો હોય દરેકની સાથે કડક રીતે કામગીરી હાથ ધરીને ગૃહનું તેઓ સંચાલન કરતા રહે છે દરમ્યાન આજે બજેટમાં માગણી પરની ચર્ચા દરમ્યાન બેઠા બેઠા કોમેન્ટ કરતા ધારાસભ્યોને બે એક વાર અધ્યક્ષે ચીમકી આપ્યા બાદ કૃષિમંત્રી આર.સી. ફળદુ જયારે પોતાના વિભાગ તરફથી જવાબરૂપી સંબોધન કરી રહ્યા હતા. ત્યારે તેમણે કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમરનું નામ લઈ ખેડૂતો અંગે સરકાર પર જે તીખા પ્રહારો વીરજી ઠુંમરે કર્યા હતા. તેનો જવાબ વાળતા વીરજી ઠુંમર ઉભા થઈ જવાબ આપવા જતા અધ્યક્ષે તેમને અટકાવી બેસી જવા કહ્યું બે ત્રણ વાર કહેવા છતાં તેઓના બેસતા અધ્યક્ષે સસ્પેન્ડ કરવાની ધમકી આપી એટલે વીરજી ઠુંમરે ઉશ્કેરાઈને કહ્યું છે કે મંત્રી મારૂં નામ બોલ્યા એટલે જવાબ આપવા ઉભો થયો છું તમે વારેઘડિયે સસ્પેન્ડ કરવાની ધમકીઓ આપો છો સસ્પેન્ડ કરવા હોય તો કરી દો. આ સંભાળતા જ અધ્યક્ષે તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો એટલે કોંગ્રેસના બધા સભ્યો ઉભા થઈ ગયા આ સમયે કોંગ્રેસના દંડક વીરજી ઠુંમરનો બચાવ કર્યો તો સામે પક્ષે સંસદીય બાબતોના મંત્રી ભુપેન્દ્ર સિંહે પણ મંત્રીનો જવાબ ચાલી રહ્યો છે તો સભ્યને બેસવા દો તેમ કહી અધ્યક્ષને સમજાવવા પ્રયાસ કરતા અધ્યક્ષે બંનેને બેસી જવા કહી સસ્પેન્ડ કરી દીધા છે. તેમાં કોઈ ફેરફાર નહી થાય તે જણાવી દીધું હતું.
આ સાંભળીને કોંગ્રેસે ભારે હોબાળો મચાવી ‘ભાજપ તેરી દાદાગીરી નહીં ચલેગી’ ‘ખેડૂત વિરોધી એ સરકાર નહી ચલેગી’ જેવા ભારે સૂત્રોચ્ચારો સાથે દેખાવો કરતા વેલમાં ધસી આવતા વેલમાં ધસી આવેલ તમામ ર૮ સભ્યોને આજના આખા દિવસની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવાના આદેશો અધ્યક્ષે જારી કર્યા હતા. ત્યાર બાદ સાર્જન્ટસ એક પછી કોંગ્રેસના સભ્યોને ખેંચીને ગૃહની બહાર લઈ ગયા હતા. અધ્યક્ષે આજે કોઈપણ મંત્રીની દરખાસ્ત વિના જ કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરતા ચર્ચાનું બજાર ગરમ થઈ ગયું છે. સામાન્ય રીતે મંત્રી દરખાસ્ત રજૂ કરે ત્યાર પછી અધ્યક્ષ સસ્પેન્શન હુકમો કરતા હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતો મુદ્દે હોબાળો બાદ બપોરની બીજી બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષે ર૯ ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ કોંગ્રેસ પક્ષના દંડક અમિત ચાવડાએ ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કરવાની દરખાસ્ત મુકી હતી. જેને શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ ટેકો આપ્યો હતો ત્યારે અધ્યક્ષે કોંગ્રેસના ર૯ ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કર્યું હતું.