Ahmedabad

વિશ્વવિખ્યાત હેરિટેજ સાઈટ સરખેજ રોઝા સંકુલને વિકસાવવામાં મ્યુનિ. તંત્રની ઘોર બેદરકારી, બગીચો વેરાન હાલતમાં

સરખેજ રોઝા સંકુલ આર્કોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા વર્ગ-૧ની શ્રેણીમાં આવતું હોવા ઉપરાંત કેન્દ્રીય સ્થાપત્ય તરીકે પણ જાહેર કરેલ છે. આ વર્લ્ડ હેરિટેજ સાઈટ અને જેની મુલાકાત રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, તત્કાલીન રાજ્યપાલ નવલકિશોર શર્મા સહિત દેશ-વિદેશના મહાનુભાવો લઈ ચૂક્યા છે તે ઐતિહાસિક સ્થાપત્યની પાસે બનાવેલો બગીચો હાલ વેરાન ભાસી રહ્યો છે. ઔડાના તત્કાલીન ચેરમેન સુરેન્દ્ર પટેલ જ્યારે પ્રથમવાર આ સરખેજ રોઝા સંકુલની મુલાકાતે આવ્યા ત્યારે આ સંકુલની ભવ્યતા જોઈ તેમના મુખેથી શબ્દો સરી પડ્યા કે “આટલો ભવ્ય અને અતિસુુંદર આપણો ઐતિહાસિક વારસો મારી નજરથી કેમ ઓઝલ રહ્યો” એમ જણાવી તુરંત જ તેમણે આ સંકુલને વિકસાવવાનું બીડું ઝડપી કામ શરૂ કરાવ્યું અને ખુલ્લી જગ્યામાં વિશાળ બગીચો બનાવી સરખેજ રોઝા સંકુલની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા ત્યારબાદ સરખેજ મ્યુનિ.માં ભળી ગયું અને ત્યારબાદના શાસકોની દેખરેખના અભાવે હાલ બગીચો વેરાન ભાસી રહ્યો છે. આ અંગે  મકતમપુરા વોર્ડના મ્યુનિ. કાઉન્સિલર હાજીભાઈ મિરઝા જણાવે છે કે આ બગીચાને અને સરખેજ રોઝા તળાવને વિકસાવવા મેં મ્યુનિ. તંત્રમાં અવારનવાર રજૂઆતો કરી હોવા છતાં ગરીબોના કાશ્મીર મનાતા આ સ્થળનો વિકાસ કરવામાં મ્યુનિ. તંત્ર દુર્લક્ષ સેવી રહ્યું છે. એક તરફ શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે પરંતુ આવી વિશ્વકક્ષાની હેરિટેજ સાઈટની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. જો કરોડો અબજોના ખર્ચે રિવરફ્રન્ટને વિકસાવી શકાતો હોય તો હેરિટેજ સ્થળ પ્રત્યે આંખ આડા કાન કેમ કરાય છે ?