Ahmedabad

વેપારીની હત્યા કરાવવા શખ્સે રૂા.પ૦ લાખની સોપારી અને હથિયાર આપ્યા

અમદાવાદ, તા.૩૧
અમદાવાદના વાસણા વિસ્તારમાં મંદિરમાં દર્શન કરવા ગયેલા એક શખ્સ ઉપર ફાયરિંગ કરી હત્યા કરવાના ચકચારી બનાવમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બે આરોપીને ઝડપી પાડ્યા છે. હત્યા કરવા માટે આરોપીઓએ રૂા.પ૦ લાખની સોપારી લીધી હોવાનું તપાસમાં ખૂલવા પામ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના વાસણાની લાવણ્ય સોસાયટીમાં આવેલા મંદિરમાં તા.૧૦મી માર્ચે સુરેશ શાહ દર્શન કરવા ગયા હતા ત્યારે તેમની ઉપર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. જો કે આ ફાયરિંગમાં ઈજાગ્રસ્ત સુરેશ શાહનું મોત નિપજ્યું હતું ત્યારે આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તપાસ આદરી હતી. જેમાં પીઆઈ વી.આર. મલ્હોત્રાને બાતમી મળી હતી કે આ હત્યા કેસમાં સંડોવાયેલા એલમખાન જતમલેક અને રફીક સુમરા વેજલપુરના એપીએમસી માર્કેટ પાસે ઊભા છે. જેના આધારે બંને આરોપીઓને ક્રાઈમ બ્રાંચે પકડી પાડી તેઓની પૂછપરછ કરતા એલમખાને જણાવ્યું હતું કે, તે ખેતીવાડીનો ધંધો કરે છે ત્યારે તેનો મિત્ર રાજુ શેખવાને અમદાવાદમાં રહેતા સુરેશ શાહ સાથે મનદુઃખ હતું. તેથી રાજુ શેખવાએ સુરેશ શાહની હત્યા કરવા રૂા.પ૦ લાખની સોપારી આપી હતી. તેથી રપ દિવસ પહેલાં તેણે ગામની બાજુમાં રહેતા રહીશ સુમરાને પોતાના ઘરે બોલાવ્યો હતો ત્યારે રાજુ શેખવાએ સુરેશ શાહનો ફોટો બતાવી તેને પતાવી દેવાનું છે કહી રફીકને મુસાફરી માટે રૂા.૩૦ હજાર આપ્યા હતા. ત્યારબાદ એલમખાન રફીક રાજુ શેખવાની સાથે તેની કારમાં બેસીને અમદાવાદ આવીને સુરેશ શાહની ધંધાની જગ્યા તથા રહેણાંક સ્થળ તથા મંદિરવાળી જગ્યાની રેકી કરી હતી. ત્યારબાદ હત્યા માટે રાજુ શેખવાએ એડવાન્સમાં રૂા.૧પ લાખ રોકડા, બે દેશી તમંચા, બે પિસ્તોલ તથા કારતૂસ આપ્યા હતા. ત્યારબાદ એલમખાન તથા રફીક સુમરાએ સુરેશ શાહની રેકી કરીને તેની તમામ માહિતી રાજુ શેખવાને આપી હતી. ત્યારે રાજુ શેખવાએ પોલીસથી પકડાઈ જવાય નહીં તે માટે રેકી કરનારા ટીમ અને હત્યા કરનારા ટીમ અલગ બનાવવાનું નક્કી કર્યું હતું. જે મુજબ તેથી અમે હત્યા કરનારી બીજી ટીમને કારતું અને હથિયાર આપી દીધા હતા. ત્યારબાદ રાજુ શેખવાએ સુરેશ શાહનું ખૂન કરાવ્યું હતું. એમ પૂછપરછમાં એલમખાને જણાવ્યું હતું. ત્યારે આ કેસમાં રાજુ શેખવાના પરિવારજનો તથા સંબંધીઓ સંડોવાયેલા હોવાની શક્યતતા સેવાઈ રહી છે.