(એજન્સી) વેસ્ટ બેંક, તા.૯
ગાઝામાં યુદ્ધવિરામ જાહેર કર્યા પછી હવે ઇઝરાયેલ દ્વારા અન્ય વિસ્તારોને નિશાન બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે અને બુધવારે વેસ્ટ બેંકના ઉત્તર વિસ્તારના એક ગામ પર હવાઈ હુમલો કરવામાં આવતા ૧૦ જેટલા પેલેસ્ટીની નાગરિકોના મૃત્યુ થયા હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. હવે ઇઝરાયેલ દ્વારા વેસ્ટ બેંકના જેનીન વગેરે વિસ્તારો પર પ્રચંડ હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે અને લડાકુ જૂથોને નિશાન બનાવવાના બહાના હેઠળ રહેણાંક વિસ્તારો પર હવાઈ આક્રમણ કરવામાં આવી રહ્યું છે.
બુધવારે વેસ્ટ બેંકમાં આવેલા તમુન ગામ ઉપર ઇઝરાયેલ દ્વારા હવાઈ આક્રમણ કરવામાં આવ્યું હતું અને બોમ્બ વરસાવવામાં આવતા એક મકાન બની ગયું હતું અને ઓછામાં ઓછા દસ નાગરિકોના મોત થયા હતા તેમ પેલેસ્ટીન આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. લડાકુ સંગઠન હમાસે નાગરિકોની જાનહાની અંગે દુઃખ અને આઘાતની લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે જે લોકો માર્યા ગયા છે એ અમારા સંગઠનના સભ્યો નહોતા. લડાકુ સંગઠનને ઇઝરાયેલને તેના ગુના માટે કિંમત ચૂકવવી પડે એ માટે ઇઝરાયેલની સામે એક અને એકત્રિત થવા કબજાગ્રસ્ત વેસ્ટ બેંકના નાગરિકોને અપીલ કરી હતી.
દરમિયાન ઉત્તર ગાઝા પરત ફરી રહેલા પેલેસ્ટીની પરિવારો વિનાશ જોઈને આવાચક બની ગયા છે પરંતુ પરત આવ્યાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારો આત્મા અને અમારું જીવન પરત આવ્યા છે . ગાઝા શહેર આખું કાટમાળ બની ગયું છે અને મોટાભાગની ઇમારતો ઇઝરાયેલના પ્રચંડ બોમ્બ વરસાદમાં નાશ પામી છે.