Ahmedabad

શાહઆલમની ૮ વર્ષીય સિમરન કોરોના સાથે આંતરડાની બીમારી સામેનો જંગ જીતી

અમદાવાદ, તા.રર
અમદાવાદમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ અનેક દર્દીઓ દાખલ થાય છે. ત્યારે આવા જ એક દર્દી બનીને આવેલી ૮ વર્ષની સિમરનને આંતરડામાં તકલીફ થઈ હતી. એટલે સિવિલના ડૉક્ટરોએ ભારે મહેનત કરી સિમરનના આંતરડાની જટીલ સર્જરી કરી તેના પેટમાંથી પ૦૦ મી.લી. લીલા રંગનું પ્રવાહી બહાર કાઢી તેને નવજીવન બક્ષ્યું છે. જો કે, સિમરનને બીમારીની સાથે સાથે કોરોના પોઝિટિવ આવતા તેની કોરોનાની સારવાર પણ કરાઈ. આમ બન્ને ગંભીર બીમારી સામે જંગ લડીને સિમરન સફળતા હાંસલ કરી ખિલખિલાટ હસતા હસતા ખિલખિલાટ એમ્બ્યુલન્સમાં પોતાના ઘરે ગઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં રહેતી ૮વર્ષીય સિમરનને ૩ જૂન, ૨૦૨૦ના રોજ સવારે શહેરની સિવિલ હોસ્પિટલના પિડિયાટ્રીક સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીને છેલ્લા ૪ દિવસથી પેટમાં ભયંકર દુઃખાવાની ફરિયાદ હતી. તેના હૃદયના ધબકારાની ગતિ વધી ગઈ હતી અને પેટમાં પણ ગંભીર સોજો હતો.
સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સ દ્વારા શરૂઆતનું ફ્લુઇડ તેના શરીરમાંથી બહાર કાઢ્યા પછી તેના નાકમાં એક ટ્યૂબ નાખવામાં આવી અને તેના દ્વારા તેના પેટમાંથી તમામ ફ્લુઈડ બહાર કાઢીને પેટ ખાલી કરવામાં આવ્યું. બાળકીના પેટમાંથી ૫૦૦ મિ.લિ. લીલા રંગનું પ્રવાહી બહાર કાઢવામાં આવ્યું. પેઇનકિલર્સ આપવા છતાં પણ દર્દીને પેટનો દુખાવો ખૂબ તીવ્ર થતાં બાળકીના પેટનો એક્સ-રે અને સોનોગ્રાફી કરાવ્યા બાદ તેને આંતરડાનો ગંભીર રોગ હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું.
સિમરન શહેરના કોરોનાના હાઈ રિસ્ક શાહઆલમ વિસ્તારમાંથી આવતી હતી અને તેને તાવ પણ આવતો હતો, પરિણામે તેનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. બાળકીના દાખલ થયાના ૨૪ કલાક પછી પણ તેના હાર્ટ રેટમાં કોઈ સુધારો ન થતાં આખરે હોસ્પિટલના સર્જનો દ્રારા સર્જરી કરવાનું નક્કી કર્યું.
૪ જૂન, ૨૦૨૦ના રોજ હોસ્પિટલના પિડિયાટ્રિક સર્જરી વિભાગના આસિસ્ટન્ટ પ્રો. ડૉ. મહેશકુમાર વાઘેલા દ્વારા બાળકીની સર્જરી કરવામાં આવી. બાળકીનું નાનું આંતરડું આખું લાલ રંગનું થઈ ચૂકયું હતું અને તેમાં પુષ્કળ પ્રમાણમાં પરુ ભરાઈ ગયું હતું. પેટના નીચલા હિસ્સામાં થોડી માત્રામાં પ્યુરુલેન્ટ ફ્લુઈડ પણ રહેલું હતું. સમયસર સર્જરી કરવાને કારણે એક પણ આંતરડું કાળું નહોતું પડ્યું કે તેમાં કોઇ કાણા પણ નહોતા પડ્યા, જેના પરિણામે દર્દીનું નાનું આંતરડું કાપી નાખવાની જરૂર પડી નહીં. બાળકીના પેટમાં એક ટ્યુબ મૂકવામાં આવી, જેથી આગામી સમયમાં નવું પરું ઉભરાય તો તેને બહાર કાઢી શકાય. ઓપરેશન પૂરું કર્યાના બીજા દિવસે બાળકીને કોરોના પોઝિટિવ હોવાના કારણે શ્વાસોચ્છવાસની સમસ્યા ઊભી થઈ. ડેડિકેટેડ ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલના પિડિયાટ્રીશ્યન્સની ટીમે બાળકીને જરૂરી તમામ ગંભીર સારવાર પૂરી પાડી. આ ટીમનું નેતૃત્વ ડૉ. જોલી વૈષ્ણવે કર્યું, જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ચારૂલ મહેતા, આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. અનસૂયા ચૌહાણ, આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. આરિફ વોરા અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સોનુ અખાનીનો સમાવેશ થાય છે. બાળકીને તાત્કાલિક એરવો ડિવાઈસ પર મૂકવામાં આવી હતી. જેનાથી તેને શ્વાસ લેવામાં સરળતા થઈ. તેની શ્વાસોચ્છવાસની પ્રક્રિયામાં ધીમે-ધીમે સુધારો થયો અને ત્યારબાદ તેને માસ્ક દ્વારા ઓક્સિજન પર શિફ્ટ કરવામાં આવી હતી. આ નાનકડી બાળકી સાચા અર્થમાં એક હીરો છે તેને અનેક બીમારી હોવા છતાં પણ કોરોનાને મ્હાત આપી. એકબીજા સાથે શ્રેષ્ઠ સહયોગ સાધીને પિડિયાટ્રિક સર્જન્સ અને પિડિયાટ્રિશ્યન્સની મલ્ટી-ડિસિપ્લિનરી ટીમે સફળતાપૂર્વક બાળકીને સાજી કરી જેથી બાળકી અને તેના પરિવારના ચહેરા પર ખુશી પરત આવી છે. સિમરનના માતાએ લાગણીસભર શબ્દોમાં જણાવ્યું હતું કે, મારી દિકરીની સ્થિતિ ગંભીર હતી, પરંતુ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સ દ્વારા ખૂબ જ યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવી. સિવિલ હોસ્પિટલના સમગ્ર સ્ટાફનો હું હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી આજે રજા લઈને સ્વગૃહે જઈ રહેલી ૮ વર્ષની સિમરનને જોઈને સિવિલના ડૉક્ટર્સ ખૂબ જ આનંદિત છે. ખિલખિલાટ એમ્બ્યુલન્સમાં ખિલખિલાટ હતાસ માતા અને સિમરનને ઘરે મોકલવામાં આવ્યાં હતાં.