(એજન્સી) તા.રર
હિન્દુત્વના રાજકારણ માટે જાણીતી પાર્ટી શિવસેનાએ મહારાષ્ટ્રમાં મુસ્લિમ ક્વોટાને અમલમાં લાવવા માટે પોતાનું નિવેદન બહાર પાડ્યું છે. શિવસેનાની વોટબેન્કનો મોટા ભાગનો હિસ્સો હિન્દુ સમુદાય સાથે સંકળાયેલ છે પણ હવે શિવસેના મુસ્લિમ વોટરોનું ધ્યાન પણ પોતાની તરફ આકર્ષવા માગે છે. શિવસેનાના નેતા સુનીલ પ્રભુએ મંગળવારે વિપક્ષ દ્વારા શરુ કરાયેલ ચર્ચામાં પોતાની પાર્ટી તરફથી મહારાષ્ટ્રમાં મુસ્લિમ ક્વોટાને ટેકો આપ્યો હતો. શિવસેનાએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે ખુદ ઉદ્ધવ ઠાકરે ર૪ અને રપ નવેમ્બરે અયોધ્યાની યાત્રાએ જવાના છે. જેના માટે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ એક સૂત્ર – હર હિન્દુ કી યહી પુકાર, પહલે મંદિર-ફિર સરકાર પણ આપ્યું. જ્યારે ચચામાં પોતાની વાત રજૂ કરતાં સુનીલ પ્રભુએ કહ્યું કે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કે રાજ્યમાં હાજર પર ટકા ક્વોટાને સ્પર્શ્યા વિના સરકાર કેવી રીતે મરાઠાઓને અનામત આપશે. શિવસેના ચીફ સુનીલ પ્રભુએ ધાંગડ અને લિંગાયત સમુદાયને પણ અનામત આપવાની વાત કહી હતી. ઉલ્લેખનીય છે કે શિવસેના હંમેશાથી જ કટ્ટર હિન્દુત્વના રાજકારણ માટે ઓળખાય છે. એવામાં શિવસેના આગળ આવતી ચૂંટણીને ધ્યાનમાં રાખી મુસ્લિમ સમુદાયને આકર્ષવા માગે છે. સપ્ટેમ્બર મહિનામાં મહારાષ્ટ્રમાં મુસ્લિમ મૂક મોર્ચા તરફથી પૂણેમાં એક માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં માગણી કરવામાં આવી હતી કે શિક્ષણ, નોકરીમાં મુસ્લિમોને પણ પ ટકા અનામત આપવામાં આવે. અનામત અંગે હવે દરેક સમુદાય તરફથી માગણીઓ વધતી જઇ રહી છે. એવું કહી શકાય કે સરકાર દ્વારા વોટબેન્કમાં વધારો કરવાની આ સરળ રીત હવે ખુદ સરકાર માટે ગળાના ફાંસા સમાન બનતી જઇ રહી છે.