(એજન્સી) તા.૧ર
બાંગ્લાદેશની વચગાળાની સરકારનું કહેવું છે કે તે દેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ભારતમાંથી પરત લાવવા માટે ઈન્ટરપોલની મદદ લેશે. પીટીઆઈ દ્વારા રવિવારે આ સંબંધિત માહિતી આપવામાં આવી હતી. ૭૭ વર્ષીય અવામી લીગના વડા અને તેમની પાર્ટીના નેતાઓ પર વિદ્યાર્થી વિરોધી આંદોલનના ક્રૂર દમનનો આરોપ છે. આના પરિણામે જુલાઈ-ઓગસ્ટના વિરોધ પ્રદર્શન દરમિયાન સેંકડો જાનહાનિ થઈ હતી. બાદમાં આ ચળવળ મોટા પાયે વિદ્રોહમાં ફેરવાઈ ગઈ, જેના કારણે તેઓ ભાગીને ભારતમાં આશ્રય લેવાની ફરજ પડી. મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારનું કહેવું છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન ઓછામાં ઓછા ૭૫૩ લોકો માર્યા ગયા અને હજારો ઘાયલ થયા. સરકારે કહ્યું છે કે હસીના અને તેના અવામી લીગના નેતાઓ વિરૂદ્ધ ઓકટોબરના મધ્ય સુધીમાં ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ અને પ્રોસિક્યુશન ટીમમાં ૬૦થી વધુ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. આ માનવતા વિરૂદ્ધના ગુનાઓ અને નરસંહાર સાથે સંબંધિત છે. અહેવાલ મુજબ, કાયદાકીય બાબતોના સલાહકાર આસિફ નઝરૂલે કહ્યું, ખૂબ જ ટૂંક સમયમાં ઈન્ટરપોલને રેડ નોટિસ જારી કરવામાં આવશે. દુનિયામાં આ ભાગેડુ ફાશીવાદીઓ ક્યાં છુપાયેલા છે તેનાથી કોઈ ફરક પડતો નથી. તેમને પાછા લાવવામાં આવશે અને કોર્ટ ન્યાય કરશે.