લુસાને, તા.૯
ભારતીય પુરૂષ હોકી ટીમના કપ્તાન હરમનપ્રીત સિંહ અને દિગ્ગજ પીઆર શ્રીઝેશે વર્ષ ર૦ર૪ માટે ક્રમશઃ એફઆઈએચ પ્લેયર ઓફ ધ યર અને ગોલકીપર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે. હરમનપ્રીત અને શ્રીઝેશ બંનેને ગઈકાલે રાત્રે ઓમાનમાં ૪૯મી એફઆઈએચ કોંગ્રેસ દરમ્યાન આ સન્માન મળ્યું છે. હરમનપ્રીતે ટોચનો એવોર્ડ પ્રાપ્ત કરવા માટે નેધરલેન્ડના ઝોએપ ડીમોલ અને થિયરી બ્રિંકમેન જર્મનીના હૈસ મુલર અને ઈંગ્લેન્ડના જૈક વોલેસને પાછળ પાડી દીધા. ભારતીય કપ્તાન હરમનપ્રીતે પેરિસ ઓલિમ્પિકમાં હાઈએસ્ટ ૧૦ ગોલ કર્યા હતા. પેરિસ ઓલિમ્પિક બાદ રમતમાં સંન્યાસ લેનાર શ્રીઝેશે ગોલકીપર વર્ગમાં નેધરલેન્ડના પિરમિન બ્લેક સ્પેનના લુઈસ કૈલઝાડો, જર્મનીના ઝીલ પોલ ડેનેબર્ગ અને આર્જેન્ટીનાના ટોમસ સૈટિયાગાને પાછળ પાડ્યા છે. હરમનપ્રીતે આ પહેલા ર૦ર૦-ર૧ અને ર૦ર૧-રરમાં પણ એફઆઈએચ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો પણ ત્રીજું સન્માન એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે આને તેણે ઓલિમ્પિક મેડલ જીત્યા બાદ પ્રાપ્ત કર્યું છે. કપ્તાનના રૂપમાં આ તેનું પ્રથમ સન્માન છે. બીજીબાજું ઓલિમ્પિકમાં બે વખત મેડલ જીતનાર શ્રીઝેશે પણ ત્રીજીવાર વર્ષના સર્વશ્રેષ્ઠ ગોલકીપરનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આ પહેલા તેણે ર૦ર૦-ર૧ અને ર૦ર૧-રરમાં આ એવોર્ડ જીત્યો હતો. શ્રીઝેશે કહ્યું કે હું આજે ખૂબ જ ખુશ છું. આ એવોર્ડ પૂરી રીતે મારી ટીમનો છે જ્યારે હરમનપ્રીતે કહ્યું કે સૌથી પહેલા હું આ સન્માન માટે એફઆઈએચનો આભાર વ્યક્ત કરૂં છું. આ ખૂબ જ ખાસ અહેસાસ હતો.