(એજન્સી) રોઈટર,તા.૨૫
કુવૈતમાં ગયા અઠવાડિયે કેબિનેટ અને સંસદ વચ્ચે સંઘર્ષ થતાં કેબિનેટે રાજીનામું આપ્યું હતું. સંસદે કેબિનેટને કહ્યું હતું કે, તેઓ એમીરને એમના દ્વારા એમની પસંદગીના મંત્રીઓની નિમણુંક સમેત લેવાતા નિર્ણયો સામે પ્રશ્ન કરે એ માટે કેબિનેટે રાજીનામું આપ્યું હતું. કુવૈતના એમિરે નવી કેબિનેટની રચના કરવા માટે શેખ સબાહ અલ-ખાલિદ અલ-સબાહની વડાપ્રધાન તરીકે પુનઃ નિમણુંક કરી છે. એમીર શેખ અલ-અહમદ અલ- સબહ સપ્ટેમ્બરથી સત્તા સંભાળ્યા પછી પ્રથમ વખત સૌથી મોટા રાજકીય પડકારોનો સામનો કરી રહ્યા છે. માત્ર એક મહિના જૂની સરકાર રાજીનામું આપ્યા પછી રખેવાળ સરકાર તરીકે ભૂમિકા ભજવી રહી છે. સમૃદ્ધ કુવૈત હાલમાં તેલની કિંમતો ઘટતાં અને કોરોના મહામારીના લીધે ખૂબ નાણાકીય ખેંચનો સામનો કરી રહ્યું છે. એવામાં રાજકીય કટોકટી વધુ મુશ્કેલીઓ ઉભી કરી રહી છે. સંસદ અને કેબિનેટ વચ્ચે થતાં વારંવાર સંઘર્ષથી અનેક વખત કેબિનેટમાં ફેરફારો અને સંસદ ભંગ કરવી પડી છે. જેના લીધે રોકાણો અને આર્થિક સુધારાઓ ઉપર અવળી અસર પડે છે. આ મહિનાની શરૂઆતમાં એમીરને પ્રશ્ન પૂછવાના સમર્થનમાં ૩૦ સાંસદોએ મતો આપ્યા હતા. ૫૦ સભ્યોની સભામાં વિરોધ પક્ષનું પાસું મજબૂત હતું. એમીર સામે પ્રશ્ન પૂછવા માટે કેબિનેટની રચનામાં ક્ષતિઓ હોવાનું કહેવાતું હતું. એમની ઉપર આક્ષેપ હતો કે તે સંસદીય કમિટીના સભ્યો અને સ્પીકરને ચૂંટવામાં દખલગીરી કરે છે. અખાતના દેશોમાં કુવૈતની રાજકીય સીસ્ટમ ખૂબ જ પ્રગતિકારક માનવામાં આવે છે. સંસદને કાયદાઓ પસાર કરવાના, રદ્દ કરવાના અને મંત્રીઓને પ્રશ્નો પૂછવાના વ્યાપક અધિકારો છે. જોકે સરકારના ઉચ્ચ હોદ્દાઓ કુવૈતના શાસક કુટુંબના સભ્યો જ ધરાવે છે અને અંતિમ નિર્ણય એમને જ કરવાનો હોય છે.