(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૯
આણંદ જિલ્લાના બદલપુર ગામેથી વકીલાત કરવા નિકળેલા પ્રતિભાશાળી માધવસિંહ સોલંકીમાં રાજકીય કૂનેહના ગુણો જોઈને તેઓની રાજકારણમાં આવવાની અનિચ્છા છતાં પૂર્વ મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈએ તેઓને ભાદરણ બેઠક પરથી વિધાનસભાની ટિકિટ આપી અને ગુજરાતને એક સ્વચ્છ પ્રતિભાશાળી મુખ્યમંત્રી તરીકે માધવસિંહ ફૂલસિંહ સોંલકી મળ્યા, માધવસિંહ સોલંકી પરિવારના ગઢ ગણાતા આણંદ જિલ્લામાં આજે વહેલી સવારે માધવસિંહ સોલંકીના નિધનના સમાચાર પ્રસરતા શોકનું મોજું પ્રસરી જવા પામ્યું હતું અને માધવસિંહ સોલંકીના નજીકના સગા અને કોંગ્રેસના જૂના કાર્યકરો ગાંધીનગર ખાતે તેમના નિવાસ સ્થાને પહોંચી ગયા હતા.
મૂળ બોરસદ તાલુકાના કાંઠાગાળાના બદલપુર ગામના માધવસિંહ સોલંકીનો પરિવાર દુષ્કાળ વખતે બદલપુર છોડી જંબુસર પાસે આવેલ પીલોદરા ગામે વસવાટ કરવા જતા રહ્યા હતા. લાંબો સમય ત્યાં રહ્યા બાદ તેઓ પરત બદલપુર ખાતે આવ્યા હતા અને ત્યારબાદ તેઓ અમદાવાદ સાબરમતી આશ્રમમાં રહ્યા હતા. બાદમાં બોરસદ આવ્યા હતા અને અહિંયા તેઓએ પત્રકારત્વ ચાલુ રાખ્યું હતું. બોરસદના સૈયદ ટેકરા વિસ્તારમાં મેવાડા ફળિયાના નાકે ડૉ. હરેશ પંડ્યાના દવાખાના પાછળ આવેલ પોતાની માલિકીના મકાનમાં તેઓ વર્ષો સુધી રહ્યા હતા અને વકીલાતનો અભ્યાસ કરી વકીલ બન્યા હતા. ત્યારબાદ તેઓએ જૂની કોર્ટ સામે વાવડી મહોલ્લાના નાકે નગરપાલિકા સામે પોતાની વકીલાતની ઓફિસ કરી હતી. જેમાં તેઓ વકીલ સુમનભાઈ વ્યાસની સાથે બેસતા હતા અને બન્ને સાથે વકીલાત કરતા હતા. વર્ષો બાદ તેઓ સરકારી દવાખાનાની બહાર આવેલબાગ સામે તરંગ પેટ્રોલ પાસે આવેલ કોંગ્રેસ સમિતિની જમણી બાજુના મકાનમાં રહેવા આવી ગયા હતા. અહિંયા ભાઈ હમીરસિંહના પરિવાર સાથે તેઓ રહેતા હતા, ત્યારબાદ તેઓ અમદાવાદ ગયા હતા અને પત્રકાર તરીકે જોડાયા હતા. માધવસિંહ સોંલકી તેમજ હમીરસિંહ સોલંકીએ વકીલની પદવી પ્રાપ્ત કરી હતી. માધવસિંહ સોલંકીએ અમદાવાદમાં વકીલાત શરૂ કરી તો હમીરસિંહ સોલંકીએ બોરસદમાં વકીલાત શરૂ કરી હતી. ત્યારબાદ બોરસદના સ્વાતંત્ર્ય સેનાની અને સ્થાનિક કોંગ્રેસના રાજકીય આગેવાન ઈશ્વરભાઈ ચાવડાની દીકરી વિમળાબા સાથે તેઓના લગ્ન થયા, વકીલાત કરતા માધવસિંહ સોલંકીમાં પૂર્વ મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈને કૂનેહભર્યા રાજકીય ગુણો દેખાયા અને તેઓએ આ માટે ઈશ્વરભાઈ ચાવડાને કહી માધવસિંહ સોલંકીને વિધાનસભાની ચૂંટણી લડવા સમજાવવા જણાવ્યું હતું. પરંતુ માધવસિંહ રાજકારણમાં આવવા માંગતા હતા નહીં અને તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી તેમ છતાં બાબુભાઈ પટેલે જયારે વિધાનસભાનાં ઉમેદવારોની ટિકિટ જાહેર કરી, ત્યારે તે યાદીમાં માધવસિંહ સોલંકીનું નામ પણ હતું અને ત્યારબાદ માધવસિંહ સોલંકી સતત સાત ટર્મ સુધી ભાદરણ વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈને મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા હતા અને ત્યારબાદ રાજીવ ગાંધીના વડાપ્રધાન પદ હેઠળ તેઓ કેન્દ્રમાં મંત્રીપદે પણ રહ્યા છે. માધવસિંહ સોલંકીએ આણંદ જિલ્લાને કોંગ્રેસનો ગઢ બનાવ્યો હતો અને હજુ પણ ભાજપ આ ગઢને તોડી શકી નથી.
બોરસદમાં તેઓ મુસ્લિમ દરજી પાસે પોતાના ઝભ્ભા સીવડાવતા હતા. પરંતુ હાલમાં આ દરજી હયાત નથી. વર્ષો સુધી માધવસિંહે મુસ્લિમ દરજીએ સિવેલા ઝભ્ભાઓ પહેર્યા હતા. બોરસદ ઈશ્વરકૃપા સોસાયટીની મતદાર યાદીમાં માધવસિંહ સોલંકીનું નામ હોઈ જ્યાં સુધી તેઓના પત્ની વિમળાબા જીવીત હતા, ત્યાં સુધી વિમળાબાની સાથે મતદાન કરવા માટે અને પત્ની વિમળાબાના નિધન બાદ પણ તેઓ બોરસદના નુતન પ્રાથમિક શાળા સ્થિત મતદાન મથક ખાતે મતદાન કરવા માટે અવસ્ય આવતા હતા અને ત્યારે સ્થાનિક આગેવાનો સાથે તેઓ ખૂબ જ ઉમળકાભેર મળીને જૂની વાતો યાદ કરતા હતા. માધવસિંહ સોલંકી જયારે બોરસદ આવતા ત્યારે જૂની કોંગ્રેસ સમિતી ખાતે રાત્રે મોડા સુધી તેઓ મહેફીલ જમાવતા અને તેમાં ખાસ કરીને શેખાદમ આબુવાલા, ધાયલ, મરીજ જેવા ખ્યાતનામ કવીઓની ગઝલ અને શાયરીઓની રમઝટ બોલાવતા હતા. આજે સવારે તેઓના નિધનના સમાચાર આણંદ જિલ્લામાં પ્રસરતા શોકનું મોજું પ્રસરી જવા પામ્યું હતું તેમજ માધવસિંહ સોલંકીના સાળાઓના પરિવાર તેેમજ તેમના ભત્રીજાઓના પરિવારો ગાંધીનગર ખાતે જવા રવાના થઈ ગયા હતા.