Ahmedabad

સમસ્યાનો નિકાલ ન આવે ત્યાં સુધી ઝૂંપડાવાસીઓની ચૂંટણી બહિષ્કારની ચીમકી

અમદાવાદ, તા.૭
અમદાવાદની ર૧ ઝૂંપડપટ્ટીઓના રહેવાસીઓને મૂળભૂત અધિકારો મળેે તે માટે કામ કરતા આવાસ અધિકાર ઝુંબેશ અમદાવાદ દ્વારા તેઓની રજૂઆતોને તંત્ર કે મત લેવા આવતા નેતાઓ ધ્યાને લેતા નથી ત્યારે ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને મૂળભૂત અધિકારો મેળવવાની માંગ સાથે અંદાજે ર૧ ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે આવાસ અધિકાર ઝુંબેશના સબિહાબેન શેખે જણાવ્યું હતું કે, આઝાદીના છેલ્લા ૭૦ વર્ષ પછી પણ આજેય વિકસિત રાજ્ય એવા ગુજરાતમાં ઘરનું ઘર મહત્ત્વનો મુદ્દો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. રાજકીય પાર્ટીઓ પોતાના ચૂંટણી ઢંઢેરામાં લોકોને લોલીપોપ બતાવી કૂંણીએ ગોળ ચટાડતા હોય છે. ભાજપે ર૦૧રની ચૂંટણીમાં સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ તત્કાલિન મુખ્યમંત્રી મોદીએ મુખ્યમંત્રી આવાસ યોજના જાહેર કરી હતી અને અમદાવાદ મ્યુનિ. કોર્પો.ને પહેલીવાર ર૦૧રમાં શહેરી ગરીબો અને મધ્યમ વર્ગના ઘર વિહોણા પરિવારો માટે મકાનોની સ્કીમ જાહેર કરી હતી અને ભાજપે છેલ્લા પાંચ વર્ષમાં પ૦ લાખ મકાનો બાંધવાનો વાયદો કર્યો હતો. પરંતુ આજે પણ વાયબ્રન્ટ ગુજરાતમાં અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં લોકોને પોતાનું મકાન નથી અને મજબૂરીથી ઝૂંપડામાં રહેવું પડે છે જ્યારે બીજી બાજુ કોર્પોરેશન કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર આ ઝૂંપડપટ્ટીઓ વિકાસને નામે તોડી નાંખે છે. આવાસ અધિકાર ઝુંબેશના સહિબાબહેન શેખ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, શહેરના ઘોડા કેમ્પ, ગીરધરનગર, ચમનપુરા, સુએઝફાર્મ અને કેેશવણીનગર વિસ્તારમાં ઘર વગરના લોકો ઝૂંપડામાં રહે છે જ્યાં શૌચાલય, શાળા, પાણી, ઈલેક્ટ્રીસિટી વ્યવસ્થા નથી જ્યાં શૌચાલય છે ત્યાં શૌચાલયમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ દારૂનો અડ્ડો બનાવી દીધો છે તેથી સ્થાનિક લોકો આ શૌચાલયનો ઉપયોગ કરી શકતા નથી. બહેનોને રાત્રે શૌચાલય જતા બીક લાગે છે અને પોતાની સલામતી જોખમાય છે. જેના કારણે બહેનો ખુલ્લામાં રાત્રે શૌચાલય માટે જવા માટે મજબૂર છે. કેટલાક સ્થાનિક લોકોએ જણાવ્યું કે, અહીં અસામાજિક તત્ત્વોના ત્રાસ માટે પોલીસ ફરિયાદ કરી છે. પરંતુ પોલીસ પણ આંખ મીચામણા કરે છે અને આવા અસામાજિક તત્ત્વો સામે કાયદાકીય પગલાં ભરવાને બદલે તેમને છાવરી રહી છે. કેટલાક સ્થાનિકોએ જણાવ્યું કે, વડાપ્રધાનના સ્લોગન ‘બેટી પઢાવ, બેટી બચાવ’ સામે પ્રશ્નાર્થ પણ ઊભો કર્યો છે કે, જ્યાં પોતાનું ઘર નથી ઝૂંપડામાં રહીએ છીએ. તેમાં પોલીસ અને કોર્પોરેશનની કનડગત તો છે. નજીકમાં કોઈ પણ શાળા નથી અને શાળા નથી અને શાળા છે તો તે શાળામાં શિક્ષકો ભણાવતા નથી કે, રેગ્યુલર સ્કૂલ પણ ચાલતી નથી અને વર્ષના અંતે બાળકોને પાસ કરી દે છે તો અમારા બાળકોનું ભવિષ્ય શું ? અમે વડાપ્રધાન મોદીને પૂછવા માંગીએ છીએ કે, ઘર તો નથી આપી શક્યા તો હવે અમારા બાળકોને શિક્ષણથી વંચિત રાખી તેમનું ભવિષ્ય પણ છીનવવા માંગો છો ? કેટલાક ઝૂંપડપટ્ટીના રહીશો જણાવે છે. ઝૂંપડાની સામે સરકારે જે મકાનો આપ્યા છે તે મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી, ઈલેક્ટ્રીક શોક પણ લાગે તેવી પરિસ્થિતિ છે અને પાણીમાં એટલો ક્ષાર છે કે, તે પીવા લાયક પણ નથી. આ અંગે કેટલાક લોકો જણાવે છે કે, અમે અને અમારા બાળકો જ્યારે બીમાર પડે છે ત્યારે કેટલીક સરકારી હોસ્પિટલોમાં અમારી સારવાર પણ બરાબર થતી નથી. ક્યારેય ડૉક્ટર પણ અમારી દરકાર કરતા નથી. આવાસ અધિકાર ઝુંબેશ અંતે જણાવે છે કે, અમારા વિસ્તારમાં ધારાસભ્ય મત માટેે પાંચ વર્ષે મત લેવા માટે એકવાર આવે છે. પરંતુ અમારી સમસ્યાઓનું નિરાકરણ માટે અવારનવાર તેમની સામે રજૂઆત કરી છે. પરંતુ તેમના બહેરા કાને અથડાતી નથી તેથી અમારી માગણી છે કે, અમારી મુસીબતોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ.