Ahmedabad

સરકાર ભરતીમાં ગેરરીતિ કરનારને જેલમાં પૂરી તેમજ સંસ્થાને બંધ કરી દાખલો બેસાડે

અમદાવાદ, તા.ર૯
બિનસચિવાલય પરીક્ષાના મુદ્દાને લઈને ઘણા દિવસોથી અફવાઓ ચાલી રહી હતી. પરંતુ આજરોજ અમુક CCTV ફૂટેજ બહાર આવતા યુવાનોમાં ખુબ મોટો આક્રોશ જોવા મળ્યો અને પૂરા દિવસ દરમ્યાન અમુક જિલ્લાઓમાં વિરોધ પણ જોવા મળ્યો હતો.
ત્યારે આંદોલનકારી પ્રવિણ રામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ગુજરાતમાં હવે આ કોઈ નવી ઘટના નથી, ગુજરાતમાં આવું વારંવાર બનતું રહે છે, પોલીસ કોન્સ્ટેબલ, બિનસચિવાલય જેવી અનેક પરીક્ષાઓમાં પહેલાં અનેક ગોટાળાઓ થયા છે અને હાલ ફરીથી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં CCTV ફૂટેજ બહાર આવ્યા છે ત્યારે આંદોલનકારી પ્રવિણ રામે સરકાર પણ પ્રહાર કરતા કહ્યું કે, આ સરકાર સંવેદનશીલ નહીં સંવેદનહીન છે જે વર્ષોથી ગુજરાતના યુવાનોની સંવેદનાનું હનન કરી રહી છે. સરકારે આ પરીક્ષામાં આવેલ તમામ ફરિયાદની તપાસ કરી અને એમના વીડિયો ફૂટેજ જાહેર કરવા જોઈએ જેથી કરીને ગુજરાતના યુવાનોને વિશ્વાસ આવે તેમજ જે ગેરરીતિમાં ઝડપાય એમને જેલ હવાલે કરવામાં આવે તેમજ જે સંસ્થા શંકાના દાયરામાં આવે એ સંસ્થાની પરમિશનો કેન્સલ કરી એક ઉત્તમ ઉદાહરણ ગુજરાતની જનતામાં બેસાડવામાં આવે અને આવું નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં યુવાનોનો આક્રોશ સરકાર સમક્ષ ચોક્કસથી આવશે.