સરફરાઝ ખાનને ૨૦૨૪નો જાવેદ મિયાંદાદ ગણાવતો સંજય માંજરેકર
આ રોહિત શર્માનો યુગ છે એણે સરફરાઝ ખાન અને રિષભ પંત જેવા ખેલાડીઓને મુક્ત રીતે આઝાદીથી ખેલવાનું પ્રોત્સાહન આપ્યું એટલે એ તમામ યશ રોહિતના નામે
(એજન્સી) બેંગ્લુરૂ, તા.૧૯
ન્યુઝીલેન્ડ સામે બેંગ્લોરના મેદાન પર બીજી ટેસ્ટ મેચમાં બીજા દાવમાં લડાયક અને શાનદાર સદી ફટકારીને સરફરાઝ ખાને લાખો ચાહકોના દિલ તો જીતી જ લીધા છે પણ અનેક ક્રિકેટ જગતના દિગ્ગજો અને પૂર્વ ક્રિકેટરો તરફથી પણ પ્રશંસા પ્રાપ્ત કરી છે અને તેના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. ભારતીય ક્રિકેટનો એન્ગ્રી યંગમેન ગણાતો આ યુવાન બેટ્સમેન પોતાની પહેલી ટેસ્ટ સદી ફટકારીને સુનિલ ગાવસ્કર તથા સચિન તેન્ડુલકર અને વિરાટ કોહલીની અત્યંત પ્રતિભાશાળી હરોળમાં સ્થાન મેળવી શક્યો છે. ભારત આ ટેસ્ટમાં પહેલા દાવમાં માત્ર ૪૬ રનના સાવ કંગાળ જુમલે ઓલ આઉટ થઈ ગયું હતું અને પહેલી ઇનિંગમાં તો સરફરાઝ ખાને પણ મીંડું મુકાવી હતું પણ તુરંત જ તેણે મન મક્કમ કરીને અને પોતાની પ્રતિભાનો પૂરેપૂરો ઉપયોગ કરીને બીજા દાવમાં અભૂતપૂર્વ લડાયક રમત બતાવીને પહેલા દાવની નિષ્ફળતાને ભુલાવી દીધી અને શાનદાર ૧૫૦ રન ફટકારી ચારે તરફથી વાહ વાહી પ્રાપ્ત કરી છે. સચિન તેન્ડુલકરથી માંડીને સંજય માંજરેકર સુધી તમામ જુના અને નવા ખેલાડીઓએ અને ખાસ કરીને પૂર્વ દિગ્ગજ પૂર્વ ક્રિકેટ મહારથીઓએ ખાન પર પ્રશંસાનો વરસાદ કરી દીધો છે. ટેસ્ટમાં પણ આક્રમણ કરી શકવાની પ્રતિભા ધરાવતા સરફરાઝ ખાનને એટલે જ ભારતીય ક્રિકેટનો એન્ગ્રી યંગમેન કહેવામાં આવે છે. તેની ઉંમર ભલે માત્ર ૨૬ વર્ષ છે પણ તેણે જે રીતે રમત બતાવી અને પહેલા દાવમાં ઝીરો મુકાવ્યા પછી બીજા દાવમાં જે રીતે ન્યુઝીલેન્ડના બોલરો હંફાવી દીધા એટલે રમત પરથી જરા પણ ન લાગ્યું કે એ નવો સવો ટેસ્ટ પ્રવેશ કરનાર ખેલાડી છે અને નવોદિત ખેલાડીને જેવી ચિંતા નર્વસનેસ હોય છે એવું કશું જ ખાનની રમતમાં જોવા મળ્યું નહોતું. બલકે બિન્દાસ રમી રહ્યો હતો. સાવધાની અને આક્રમણનું મિશ્રણ કરીને તેણે દોઢ સદી ફટકારી એ કોઈ નાની મોટી સિદ્ધિ નથી. સ્થાનિક ક્રિકેટમાં ઢગલાબંધ રન કર્યા છતાં ટેસ્ટ પ્રવેશની રાહ લાંબા સમયથી જોઈ રહ્યો હતો એટલે તેના આ લાંબા ઇન્તજાર અને તેના સંઘર્ષભર્યા બાળપણને લીધે તેના માટે અડગ નિશ્ચય અને લડતની ભાવના છે એ આજની રમતમાં તેની આક્રમકતા, સંકલ્પ અને નિર્ધાર જોવા મળ્યા અને મોટા સ્ટેજ પર આવીને સરફરાઝ ખાને તેની બહુમુખી અને અપાર પ્રતિભાનો પરિચય જગતને આપી દીધો. એક જ ટેસ્ટમાં ઝીરો અને સદી કરનાર એ ૨૨મો ભારતીય ખેલાડી છે એ બદલ તેને જરૂર યશ આપવો પડે કે ભારત મોટી ખાધ સાથે મેદાનમાં આવ્યું છતાં તેણે જરા પણ દબાણ અનુભવ્યા વિના મોકળા મને રમત બતાવી અને ભારતને મુશ્કેલ સ્થિતિમાંથી બહાર કાઢી. એટલે જ સચિન તેન્ડુલકરે કહ્યું કે આટલા બધા દબાણ વચ્ચે સરફરાઝે જે રમત બતાવી છે એ ખરેખર પ્રશંસનીય છે જ્યારે ભારતને સખત જરૂર હતી એવા સમયે સદી એ ખૂબ જ અનોખી ઘટના છે અને અનોખો પ્રસંગ છે. પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે તો સરફરાઝ ખાનને ૨૦૨૪ના જાવેદ મિયાંદાદનું બિરૂદ આપ્યું હતું અને કહ્યું હતું કે ઝડપી અને સ્પીન બંને બોલરનો ખૂબ જ કુશળતાથી સામનો સરફરાઝે કર્યો અને એના સ્ટ્રોક પ્લેથી મને મિયાંદાદની યાદ આવી ગઈ. જે રીતે સરફરાઝ રમ્યો તેનાથી હું પ્રભાવિત થયો છું. એ સ્પીનરને સારી રીતે રમે છે એ બધા જાણે છે પણ પેસ બોલિંગનો પણ તેણે જે રીતે સામનો કર્યો તેનાથી હું પ્રભાવિત થયો છું. કોઈ એક જ ટેસ્ટમાં પહેલા દાવમાં ઝીરો અને બીજા દાવમાં સદી ફટકારનાર ખેલાડી તરીકે તેણે સચિન તથા ગાવસ્કર અને કોહલીની હરોળમાં સ્થાન મેળવ્યું છે. પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ જણાવ્યું હતું કે આ રોહિત શર્માનો યુગ છે કેમકે તેણે જે રીતે સરફરાઝ અને રિષભ પંત જેવા નવા ખેલાડીઓને મોકળું મેદાન આપ્યું છે અને આઝાદીથી રમવાની છૂટ આપી છે તેનું પરિણામ સામે છે અને એ માટે પૂરેપૂરો યશ હું રોહિતને આપું છું.