(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૩
વતન જવા નીકળેલા શ્રમિકોની રસ્તામાંથી ઊંચકીને ઢોરમાર મારનાર પોલીસની બર્બરતાના વિરોધમાં કારીગરો સલાબતપુરા પોલીસ મથકની બહાર ધરણાં પ્રદર્શન પર બેસી ગયા છે. પોણા બે મહિનાથી લોકડાઉનમાં સપડાયેલા શ્રમિકોની વતન વાપસી માટેનો માર્ગ ખૂલતા જ બસ દ્વારા મધ્યપ્રદેશ જવા નીકળેલા ૧૫ જેટલા શ્રમિકોને સલાબતપુરા પોલીસ મથકના ઈન્સપેક્ટર કિકાણીએ સહારા દરવાજા નજીકથી ઊંચકી લીધા હતા અને પોલીસ મથકે લાવીને અત્યંત નિર્દયતાપૂર્વક ફટકાર્યા હતા. આ સંદર્ભે ટીમના લીડરે બસના ડ્રાઈવર સાથે કિકાણીની વાત કરાવીને મંજૂરી માટેની તમામ પ્રક્રિયા બાબતે અવગત પણ કરાવ્યા હતા, પરંતુ કિકાણીના માથે ઝનુન સવાર હતું અને તેમણે શ્રમિકોની એકપણ વાત સાંભળ્યા વિના કલાકો સુધી શ્રમિકોની જેલમાં ગોંધી દીધા હતા. કલાકો બાદ તમામને રવાના કરવામાં આવ્યા, ત્યારે પુણા કુંભારિયા રોડ પરથી બસ ઉપડી ચૂકી હતી. આ જાણ્યા પછી શ્રમિકોએ સલાબતપુરા પોલીસ મથકની બહાર ડેરા તંબુ તાણ્યા છે અને કિકાણી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં મામલાને થાળે પાડવાના પ્રયાસ થઈ રહ્યા છે. અલબત્ત આ લખાઈ રહ્યું છે, ત્યાં સુધી શ્રમિકો પોલીસ મથકની બહાર જ ધરણાં પર બેઠાં હોવાની માહિતી મળી રહી છે. શ્રમિકોએ વતન જવાની માગણી સાથે પોલીસ મથકની બહાર જ ડેરા તંબુ તાણ્યા છે. આ સંદર્ભે તેમણે જણાવ્યું છે કે, જે બસમાં બુકિંગ કરાવ્યું હતું, તે બસ જતી રહી છે અને હવે તેમની પાસે વધારે રૂપિયા નથી એટલે પોલીસ તેમને રૂપિયા પણ આપે અને વતન જવાની વ્યવસ્થા પણ ગોઠવી આપે.