(સંવાદદાતા દ્વારા)
હિંમતનગર, તા.૧
સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ તરીકેનો ચાર્જ તા. ૧૭ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ સંભાળીને પ્રથમ દિવસથી જિલ્લામાં લોક ઉપયોગી કામો અને જિલ્લાના વિકાસને આગળ ધપાવવાના મક્કમ નિર્ધાર સાથે એક વર્ષની સફરમાં સક્રિયતા, સહભાગીતા, જનસંપર્ક, વહીવટી કાર્યકુશળતા અને અનુભવનું ભાથું જિલ્લાની જનતાને મળ્યું છે. અને પ્રેમ લોકચાહના અને સાદાઈથી ભરેલા જિલ્લા કલેક્ટર સી.જે.પટેલ જિલ્લાની જનતામાં અને વહીવટી તંત્રમાં એક વડીલ અને માર્ગદર્શકની ભૂમિકા બખૂબી નિભાવીને આજે તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ સેવા નિવૃત્ત થતા તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો.
અંતિમ દિવસે પણ ઓફિસમાં બેસવાને બદલે જોરાપુર ગામે ફિલ્ડમાં વિઝીટ અને મુલાકાત લઈને જનસંપર્કનો જનમાર્ગ કંડાર્યો દરેક વિષયમાં ઊંડાણમાં જઈ મૂળ સુધી વિષયવસ્તુને પકડનાર અને તેનો વ્યૂહાત્મક માર્ગ શોધી આપનાર અનુભવી જિલ્લા કલેક્ટર સેવા નિવૃત્ત થયા છે. તેઓની તંદુરસ્તી દીર્ઘાયુ માટે મંગલ કામના જિલ્લાના અમલીકરણ અધિકારીઓ અને જનતાએ પાઠવી છે. જિલ્લા કલેકટર સી. જે. પટેલની સાદાઇ પ્રેમાળ માયાળુ અને સ્વભાવે શાંત અને પહેલવૃત્તિ અને સંકલનતાથી પરિણામલક્ષી જેવા એમના ઉમદા ગુણો અન્યને પ્રેરણા પૂરા પાડે છે.