બાળક અચાનક બીમાર પડ્યો, ઝાડા-ઉલ્ટી શરૂ થયા અને ર૪ કલાકમાં જ મોત
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૩
સુરતના ડિંડોલીમાં ત્રણ વર્ષના બાળકે એવું કર્યું કે, આ કિસ્સો વાંચી દરેક માતા-પિતાએ બોધપાઠ લેવાની જરૂર છે. હાલ પોપ-પોપ નામનો ફટાકડો ખૂબ જ ચલણમાં છે જેને લસણિયો પણ કહેવામાં આવે છે. આ ફટાકડો જમીન પર પછાડી ફોડવામાં આવે છે. આ ફટાકડો ચોકલેટ જેવો દેખાતો હોવાથી બાળક તેને ગળી ગયો હતો જેને ર૪ કલાક ઝાડા-ઉલ્ટી રહ્યા બાદ આખરે મોતને ભેટ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર સુરતના ડિંડોલીમાં ૩ વર્ષના બાળક માટે તેના પિતા ફટાકડા લઈ આવ્યા હતા, બાળક નાનું હોવાથી ફેંકે અને ફૂટે એવા પોપ-પોપ લાવી ઘરે મૂક્યા હતા. જો કે, બાદમાં એ ફટાકડા ફોડવાની જગ્યાએ બાળક ગળી ગયું હોય એમ બીમાર પડ્યું હતું. દવા લીધા બાદ પણ સારું ન થયું, પરંતુ ઝાડા-ઉલ્ટીમાં પોપ-પોપ ફટાકડા નીકળ્યા બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાતા તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું હતું.
બાળકના પિતા રાજ શર્માએ જણાવ્યું હતું કે, ૮ મહિના પહેલાં જ બિહારથી સુરત આવ્યો હતો. સુથારકામ કરી પત્ની ૩ વર્ષનો મોટો પુત્ર શૌર્ય અને ૨ વર્ષની દીકરીનું ગુજરાન ચલાવી રહ્યો હતો. ૨૪ કલાકથી અચાનક બીમાર પડેલા માસૂમ પુત્રને લઈ તેઓ ચિંતિત હતા. નજીકના ડૉક્ટરની સારવાર દરમિયાન તેને અચાનક ઝાડા થયા બાદ ઉલ્ટી શરૂ થતાં અમે આશ્ચર્યમાં પડી ગયા હતા. એમાં આજે સવારે ઉલ્ટીમાં ફટાકડાના પોપ-પોપ નીકળતાં પત્ની અંજલી ચોંકી ગઈ હતી. વહેલી સવારે દીકરાની પોપ-પોપવાળી ઉલ્ટી જોઈ ડૉક્ટરને ફોન કર્યો હતો. સ્થાનિક ડૉક્ટરના ક્લિનિકમાં બોટલ ચઢાવ્યા બાદ ડૉક્ટરોએ તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવાનું કહેતાં અમે સિવિલ આવ્યા હતા, જ્યાં માસૂમ શૌર્યને મૃત જાહેર કરાયો હતો. ખબર નથી પડતી મૃત્યુનું શું કારણ હશે. હાલ પોલીસની રાહ જોઈ રહ્યા હોવાનું વધુમાં મૃતકના પિતાએ જણાવ્યું હતું. સંબંધીઓએ જણાવ્યું હતું કે, સાહેબ પોસ્ટમોર્ટમ નથી કરાવવું, ફટાકડા ખાઈ જતાં કોઈએ જોયું નથી, પણ ઉલ્ટી થયા બાદ ફટાકડો નિકળતા તેની માતાએ જોયો છે. બીજું કે મ્ૐસ્જી ડૉક્ટરે બોટલ ચઢાવ્યા બાદ દીકરાની તબિયત બગડી હતી. એટલે સિવિલ લઈ આવ્યા હતા, જ્યાં શૌર્યને મૃત જાહેર કરાયો છે. ખબર એ નથી પડતી કે મૃત્યુનું કારણ શું છે. પોસ્ટમોર્ટમ ન થાય એ માટે પોલીસને પણ વિનંતી કરી હતી, પણ કોઈ સાંભળતું જ નથી.