(એજન્સી) શિલોંગ, તા. ૨૯
સીએએના વિરોધમાં મેઘાલયના છ જિલ્લાઓ ઇસ્ટ જયંતિયા હિલ્સ, વેસ્ટ જયંતિયા હિલ્સ, ઇસ્ટ ખાસી હિલ્સ, રી ભોઇ, પશ્ચિમ ખાસી હિલ્સ અને દક્ષિણ ખાસી હિલ્સમાં ભારે હિંસા અને તેના કારણે એક વ્યક્તિના મોત બાદ ૨૮મી ફેબ્રુઆરીની રાતે ૧૦ વાગ્યાથી ૪૮ કલાક માટે ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુકી દેવાયો છે. ભારે તોફાનોને પગલે શિલોંગ અને તેની આસપાસના પૂર્વ ખાસી હિલ્સમાં ૨૮મી ફેબ્રુઆરીના રાતે ૧૦ વાગ્યાથી ૨૯મી ફેબ્રુઆરીના સવારના આઠ વાગ્યા સુધી કરફ્યુ લાદી દેવાયો છે. આ વિસ્તારોમાં દિવસના પાંચ મોબાઇલ મેસેજથી વધુ પર પણ ૪૮ કલાક માટે પ્રતિબંધ મુકાયો છે.
મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાં સંશોધિત નાગરિકતા કાયદો અને ઇનર લાઇન પરમીટ (ILP) અંગે બેઠક દરમિયાન કેએસયૂ સભ્યો અને બીન-આદિવાસીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે. ઘટના બાદ છ જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે સીએએના વિરોધ અને આઈએલપીના સમર્થનમાં યોજાયેલી બેઠક દરમિયાન ખાસી સ્ટુડેન્ટ્સ યુનિયનના સભ્યો અને બીન-આદિવાસીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ બેઠક શુક્રવારે જિલ્લાના ઇચામતિ વિસ્તારમાં થઈ હતી.
અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યના છ જિલ્લા પૂર્વ જયંતિયા હિલ્સ, પશ્ચિમ જયંતિયા હિલ્સ, પૂર્વ ખાસી હિલ્સ, રી ભોઈ, પશ્ચિમ ખાસી હિલ્સ અને દક્ષિણ પશ્ચિમ ખાસી હિલ્મમાં શુક્રવારે રાતથી ૪૮ કલાક માટે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. એક અધિકારિક આદેશમાં કહેવામાં આવ્યું છે કે શિલૉંગ અને આસપાસના વિસ્તારમાં ૨૮મી ફેબ્રુઆરીના રાત્રે ૧૦ વાગ્યાથી ૨૯મી ફેબ્રુઆરીના સવારના આઠ વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો.