(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૦
આયકર વિભાગની ડીઆઇ વિંગ દ્વારા ગઇકાલે વરાછા અને કતારગામ વિસ્તારમાં જનની એક્સપોર્ટ સાથે સંકળાયેલા ડ્રાયફુટ વિક્રેતાઓને ત્યાં સાત સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. જેમાં પાંચ સ્થળો પર આયકર વિભાગની તપાસ પુરી થઇ છે. વિભાગેને મોટા પાયે દસ્તાવેજો જપ્ત કર્યા છે. જ્યારે બે સ્થળો પર તપાસ યથાવત રહી છે. આયકર વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ડીઆઇ વિંગ દ્વારા થોડાક મહિના પહેલા કતારગામ વિસ્તારમાં હીરા ઉદ્યોગકાર જનની એક્સપોર્ટ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં વિભાગને આશરે ૧૦૦ કરોડના હિસાબી દસ્તાવેજો મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા ચોપડામાં કેટલાક અન્ય વેપારીઓના નામ પણ હતા. જેના આધારે તપાસ કરતા વિભાગે ગઇકાલે વરાછા અને કતારગામમાં ડ્રાયફુટ વિક્રેતાના ઘર અને શોપ સહિત કુલ સાત ઠેકાણે દરોડા પાડ્યા હતા. જેમાં ઘર સહિત કુલ પાંચ સ્થળો પર તપાસ પુરી થઇ છે. જેમાં વિભાગે મોટા પાયે દસ્તાવેજો જપ્ત કર્યા હોવાનું જાણવા મળે છે.