(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.૧પ
તાજેતરમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની એક બેઠક સંઘમાં પ્રમુખ કિરીટભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કન્યા વિદ્યાલય, અસ્તાન ખાતે મળી હતી.
રાજ્યમાં સતત આઠમી વખત ક્રિકેટ મેચમાં વિજેતા થવા બદલ સુરત જિલ્લાની ટીમનાં કોચ તથા તમામ ખેલાડીઓનું સંઘ દ્વારા શાલ ઓઢાડી તથા સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બેઠકમાં ધોરણ ૬થી ૮નાં શિક્ષકોને ૪ર૦૦ રૂપિયાના પગાર ગ્રેડમાં સમાવવા અંગે તા.૧૬ ફેબ્રુઆરીના શનિવારે ગાંધીનગર ખાતે સેક્ટર-૬ની ઉપવાસ છાવણી ખાતે સને ૧૯૯૭ પછીનાં ભરતી થયેલા શિક્ષકોની સળંગ નોકરી ગણવા અંગે તથા અન્ય માગણીઓ પ્રશ્ને ધરણા કરવામાં આવનાર છે. સુરત જિલ્લામાંથી ઉપવાસ માટે ૧પ૦ જેટલા શિક્ષકો જશે. આ પ્રશ્ને સંઘના પ્રમુખે વિસ્તૃત સમજૂતી આપી હતી. બેઠકમાં સર્વશ્રી વિશ્વજીત ચૌધરી એરીક ખ્રિસ્તી ઈમરાનખાન પઠાણ, મોહનસિંહ ખૈર, અનીલ ચૌધરી વગેરે હાજર રહ્યા હતા.