(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૮
સુરત જિલ્લાના નવ તાલુકાઓમાં જિલ્લા પંચાયત હસ્તક આવેલી શાળાઓના વિદ્યાર્થીઓની સંખ્યા વધે તે માટે સરકાર દ્વારા પ્રવેશ ઉત્સવ, ગુણોત્સવ સહિતના વિવિધ ઠોકબંધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આમ છતાં પાછલા ચાર શૈક્ષણિક વર્ષના વિદ્યાર્થીઓની સંખ્યાના આંકડા ઉપર નજર નાખતા ખબર પડે કે, જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત નોંધપાત્ર રીતે ઘટતી જઇ રહી છે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૪-૧૫માં સુરત જિલ્લાના નવ તાલુકાઓમાં જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓના ધોરણ ૧થી ૮ના વર્ગોમાં કુલ પર,૮૫૩ વિદ્યાર્થીઓ હતા જે ઘટીને વર્ષ ૨૦૧૭-૧૮માં ૪૨,૭૯૦ થઈ જવા પામી છે. સુરત જિલ્લા પંચાયતના સભ્ય દર્શનભાઇ નાયકે આરટીઆઇના કાયદા હેઠળ સુરત જિલ્લા પંચાયત હસ્તક કાર્યરત ધો.૧થી ૮ની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યાની આંકડાકીય વિગત માંગી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, સુરત જિલ્લાના બારડોલી, માંડવી, ઓલપાડ, પલસાણા, કામરેજ, માંગરોળ, મહુવા, ઉમરપાડા તથા બારડોલી તાલુકાઓમાં જિલ્લા પંચાયત દ્વારા પ્રાયમરી સ્કૂલો ચલાવવામાં આવે છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા પાછલા ઘણા વર્ષોથી પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા વિવિધ પ્રોત્સાહક કાર્યક્રમ ચલાવવામાં આવે છે. જેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે. આમ છતાં, આ નવ તાલુકાઓમાં વર્ષ ૨૦૧૪-૧૫માં ધો.૧થી ૮મા કુમાર-કન્યા મળી કુલ ૫૨,૮૫૩ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. જે સંખ્યા વર્ષ ૨૦૧૫-૧૬માં ઘટી ૪૪,૯૩૦ થવા પામી હતી. વર્ષ ૨૦૧૬-૧૭માં આ સંખ્યા ૪૪,૫૬૨ અને વર્ષ ૨૦૧૭-૧૮માં આ સંખ્યા ૪૨,૭૯૦ સુધી પહોંચી ગઇ છે. આમ, પાછલા ચાર વર્ષમાં સરકારી શાળાઓની સ્થિતિ સુધરવાની જગ્યાએ સતત બગડી રહી છે. આ આંકડાઓ ઉપરથી એવું પ્રતિત થઇ રહ્યું છે કે, સરકારી-પ્રાથમિક શાળાઓમાં ઉચ્ચ લાયકાતવાળા અને ઉચ્ચ પગારધોરણ વાળા શિક્ષકો હોવા છતાં સરકારી શાળા વાલીઓનો વિશ્વાસ સતત ગુમાવી રહી છે. જેને કારણે આ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે. જે બાબત સાચે જ સરકાર માટે ચોંકાવનારી બની રહેવા પામી છે.