National

સોનિયાએ રાજકારણ, નેતાગીરી મુદ્દે મુક્તપણે વિચારો વ્યકત કર્યા

(એજન્સી) નવી દિલ્હી, તા.૯
કોંગ્રેસનાપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે ભાજપની આગેવાનીવાળી એનડીએ સરકાર પર આકરા પ્રહાર કરતા આરોપ મુક્યો હતો કે, હાલનું તંત્ર વિપક્ષના અવાજનું ગળું ટૂંપી રહ્યું છે. સોનિયા ગાંધીએ ઇન્ડિયા ટુડે કોન્કલેવ ૨૦૧૮માં મહત્વની બાબતો પર પ્રકાશ પાડતા કહ્યુ હતું કે, અમારી આઝાદી પર હુમલા થઇ રહ્યા છે. આજે આપણે પ્રતિબંધાત્મક દૃષ્ટિકોણથી પીડાઇ રહ્યા છીએ. વધતી અસહિષ્ણુતા અંગે ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યંુ કે, આજે અરાજકતા અને ભયનો માહોલ બનાવાયો છે, લોકોના અવાજ દબાવીદેવામાં આવે છે, ધાર્મિક તંગદિલી વધી છે, રાજ્યોના આશયમાં ટોળા ન્યાય કરતી સેનાને છોડી દેવાઇ છે, ચૂંટણીઓ જીતવા માટેના લક્ષ્યાંક સાથે સમાજમાં ભાગલા પાડવામાં આવી રહ્યા છે. દેશ હાલ મોટી ઉથલપાથલમાંથી પસાર થતું હોવાનું જણાવતા સોનિયા ગાંધીએ દાવો કર્યો હતો કે, મોદીની આગેવાનીવાળી સરકાર વિપક્ષનો અવાજ દબાવી સંસદમાં પોતાની બહુમતી સાબિત કરવામાં વ્યસ્ત છે. જો અમને સંસદમાં બોલવા દેવાતા નથી તો શા માટે સંસદ ખુલ્લી છે તેને બંધ કેમ નથી કરી દેતા જેથી અમે ઘરે જતા રહીએ. વાજપેયીથી વિપરિત આ સરકાર સંસદના નિયમોનું સન્માન કરતી નથી. ભાજપના પોતાના શાસનમાં અર્થતંત્ર મજબૂત હોવાના દાવા સામે સોનિયાએ સત્તાધારી સરકારને કેટલાક સવાલો પૂછ્યા હતા જેમાં તેમણે પુછ્યું કે, શું ભારતે ૨૬ મે ૨૦૧૪ પહેલા મોટું કાળું ગાબળું પાડ્યું હતું ? શું ભારતે ફક્ત ચાર વર્ષ પહેલા જ વિકાસ, સમૃદ્ધિ અને મહાનતા મેળવી છે ? શું આ દાવો આપણા અગાઉના મહાન લોકોનું અપમાન નથી ? તેમણે ભાજપના શાસનની પણ ટીકા કરી હતી. આપણી ન્યાયપાલિકામાં પણ હાલ ખળભળાટ છે. આરટીઆઇને પારદર્શિતા માટે લવાયું હતું પરંતુ આજે તે કાયદો કોલ્ડ સ્ટોરેજમાં મુકી દેવાયો છે. આધારને લોકો પર અંકુશ મુકવા માટે ઘુષણખોરીના સાધન તરીકે ઉપયોગમાં લેવાય છે.
૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓમાં હાર અંગે જણાવતા તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીના દુષ્પ્રચારને કારણે અમે રેસમાંથી બહાર થઇ ગયા હતા. અમારી વિરૂદ્ધના ભ્રષ્ટાચારના આરોપોને ખુબ વેગ આપવામાં આવ્યો પરંતુ ટુજી કૌભાંડના આરોપો અંતે ખોટા સાબિત થયા. તેમનું માનવું છે કે, કોંગ્રેસે ફરી સત્તા મેેળવવા માટે લોકોના સંપર્કમાં આવવા માટે નવી પદ્ધતિ અપનાવવી પડશે. અમે અમારા કાર્યક્રમો અને નીતિઓને કેવી રીતે લોકો સમક્ષ લઇ જઇ શકીએ તેના પર ધ્યાન આપવાની જરૂર છે. રાહુલ ગાંધી વિશે તેમણે જણાવ્યું કે, નવા અધ્યક્ષ તરીકે તેમણે લોકો સમક્ષ સંતુલન જાળવી રાખવું જોઇએ. સોનિયા ગાંધીના ૧૯ વર્ષ સુધી કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા બાદ રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવાયા છે. તેમણે ૨૦૦૪માં પોતે વડાપ્રધાન કેમ ન બન્યા તે અંગે જણાવ્યું હતું કે, હું જાણતી હતી કે, મનમોહન મારા કરતા વધારે સારા વડાપ્રધાન બની શકે છે અને હું મારી મર્યાદાને જાણતી હતી. લોકોમાં મારી છાપ નેતા કરતા વધુ વાચક તરીકે હતી. ૨૦૧૯ની ચૂંટણી લડવા અંગે તેમણે કહ્યું કે, પાર્ટી જે નક્કી કરશે તે નિર્ણય હું સ્વીકારીશ. તેમણે આગામી મધ્યપ્રદેશ અને રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસના વિજયની આશા વ્યક્ત કરી છે.