(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંબોધનના કલાકો પહેલા કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીએ કોંગ્રેસે ટિ્વટર હેન્ડલ પર શેર કરેલા આ વીડિયોમાં કોરોના વાયરસ મહામારી સંકટમાં ડોકર્ટર્સ, આરોગ્ય વિભાગના કર્મીઓ, પોલીસ સહિત સરકારી અધિકારીઓની ફ્રન્ટલાઈન પર કામગીરીથી સૌથી મોટી દેશભક્તિ બીજી કોઈ નથી તેમ જણાવ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે એકતા, અનુશાસન અને આત્મબળના ભાવથી દેશ કોરોનાને પરાજીત કરશે. સોનિયા ગાંધીએ કોરોના વાયરસ મહામારી સામેની લડતમાં અગ્રિમ મોરચા પર રહેલા આરોગ્ય વિભાગના કર્મચારીઓ, પોલીસ અને સફાઇ વિભાગના કર્મચારીઓની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે સમસ્યાઓ હોવા છતાં લોકડાઉનનું પાલન કરવા બદલ લોકોનો આભાર માન્યો અને તેમને યોદ્ધા ગણાવ્યા છે. સોનિયા ગાંધીએ જણાવ્યું કે, ‘આજે કોરોના સંકટથી ઉગરવામાં આપ સૌ આ લડાઈમાં ઊભા છો તેનાથી મોટી દેશભક્તિ બીજી શું હોઈ શકે. અમે આ કપરા સમયમાં તમારા પરિવારજનો, પતિ, પત્ની, બાળકો, માતા-પિતાના ત્યાગ અને બલિદાનને ક્યારેય નહીં ભૂલી શકીએ.’ જોખમો વચ્ચે પણ તમારા સહયોગ અને સમર્પણથી તમે આ લડાઈ લડી શકો છો. આ લોકોને ધન્યાવાદ આપવા માટે મારી પાસે શબ્દો નથી. વ્યક્તિગત સુરક્ષાના અભાવ વચ્ચે પણ આપણા યોદ્ધાઓ આ લડાઈ જીતવા માટે દિન-રાત એક કરી રહ્યા છે. આપણા ડોક્ટર, સ્વચ્છતા કર્મીઓ અને સમાજસેવી સંગઠનો વ્યક્તિગત સુરક્ષા સાધનોની અછત વચ્ચે પણ લોકોની સારવાર કરી રહ્યા છે. પોલીસ અને જવાનો ચોકી પહેરો કરી નિયમોનું પાલન કરાવી રહ્યા છે. સફાઈ કર્મચારીઓ આ મુશ્કેલ સમયમાં સંસાધનોની અછત છતા પણ સંક્રમણ ફેલાતું રોકવા માટે સતત સફાઈ જાળવી રહ્યા છે. સરકારી અધિકારી ૨૪ કલાક આ વાયરસ પર નિયંત્રણ મેળવવા અને લોકો સુધી સુવિધાઓ પહોંચાડવા માટે મહેનત કરી રહ્યા છે પરંતુ તમારા સહયોગ વગર આ લડાઈ નબળી પડી શકે છે અને આપણે તેમ થવા નહીં દઈએ, તેમ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું. કેટલાક સ્થળે ડોક્ટર્સ સાથે દુર્વ્યવહારનો ઉલ્લેખ કરતા સોનિયા ગાંધીએ જણાવ્યું કે, આ ખોટું છે કારણ કે આમ કરવું તે આપણી સભ્યતા અને સંસ્કૃતિ નથી. આપણે આ લોકોનું સમ્માન કરવું જોઈએ. દેશ અત્યારે એક થઈને કોરોના સામેની જંગ જીતવા પ્રયાસ કરી રહ્યો છે. લોકસેવા કરી રહેલા તમામ લોકો ધન્યાવાદને પાત્ર છે. કોંગ્રેસનો દરેક કાર્યકર દેશના મુશ્કેલ સમયમાં પોતાની જવાબદારી સમજીને આ યોદ્ધાઓની મદદ કરવા માટે હંમેશા તૈયાર છે. મદદ માટે લોકો અમારા મધ્યસ્થ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે. કોંગ્રેસના સૈનિક સંભવિત તમામ મદદ કરશે. કોંગ્રેસ સરકારમાં હોય અથવા વિપક્ષમાં તે તમામ પળે મદદ માટે તત્પર છે. અમને વિશ્વાસ છે કે દેશ વહેલી તકે આ સંકટમાંથી બહાર આવી જશે.
‘સોનિયા જી તમારો આભાર’ : ભાજપના પ્રમુખે
તેમના કોવિડ-૧૯ મેસેજ માટે કોંગ્રેસ પ્રમુખને કહ્યું
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ કોરોના વાયરસ મહામારી સામેની લડતમાં પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (પીપીઇ)ની અછત હોવા છતાં અગ્રિમ મોરચા પર રહેલા ડોક્ટરો, નર્સો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ, પોલીસ અને સફાઇ વિભાગના કર્મચારીઓની કામગીરી બદલ તેમની પ્રશંસા કરી છે. કોંગ્રેસ પ્રમુખે સમસ્યાઓ હોવા છતાં લોકડાઉનના નિયમોનું પાલન કરવા અને પોતાના ઘરોમાં જ રહેવાની લોકોનો અરજ કરી છે. સોનિયા ગાંધીએ લોકડાઉનું પાલન કરવાની લોકોને કરેલી અરજ બદલ ભાજપના પ્રમુખ જેપી નડ્ડાએ સોનિયા ગાંધીનો આભાર માન્યો છે. જેપી નડ્ડાએ એવું ટિ્વટ કર્યું કે ‘સોનિયા જી તમારો આભાર, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.’ દરમિયાન, એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપના ટોચના નેતાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રને સંબોધન પહેલા સોનિયા ગાંધીએ આપેલો વીડિયો સંદેશ પસંદ આવ્યો નથી.