પ્રભાવી વ્યક્તિત્વ – મુહમ્મદ સઈદ શેખ
આપનું પ્રવચન સાંભળ્યા પછી એમના સાથીદારોએ એકી અવાજે કહ્યું કે અમે ક્યાંય જવાના નથી અમે આપની સાથે જ છીએ. આપે એમને દુઆઓ આપી અને કહ્યું કે બધાના તંબુઓ એક બીજા સાથે જોડાયેલા રહે એ લગાવો અને એમની આગળ પાછળ ખાડા ખોદી એમાં આગ લગાવવાનો આદેશ આપ્યો જેથી શત્રુ તંબુઓમાં હાજર સ્ત્રીઓ પર હુમલો ના કરી શકે.
હઝરત હુસેન રદી. અને એમના સાથીઓ રાતભર અલ્લાહની ઇબાદત કરતા રહ્યા. એ પછી આપે સવારે કઈ ટુકડી ક્યાં રહેશે અને કેવી રીતે લડશે એનું માર્ગદર્શન આપ્યું.સવારે આપે ફરીથી પોતાના ૭૧ કે ૭૨ સાથીઓ સમક્ષ પ્રવચન કર્યું અને અલ્લાહથી દુઆ કરી. હુર્ર બિન યઝીદ હઝરત હુસેન રદી.ના પ્રવચન અને એમની અડગતાથી પ્રભાવિત થઇ યઝીદી લશ્કર છોડી હઝરત હુસેન રદી પક્ષે આવી ગયા અને પાણી બંધ કરવા માટે માફી માંગી. આપે એમને માફ કરી દીધા. ઉમર બિન સા’દે સૌપ્રથમ તીર ચલાવ્યો અને એ સાથે જ અસંખ્ય તીરો હઝરત હુસેન રદી અને એમના સાથીઓ ઉપર વરસ્યા. પરંતુ આપ અડગ ઊભા રહ્યા. સવારથી લઇ બપોર સુધી એક પછી એક આપના જાંબાઝો લડાઈના મેદાનમાં આવતા રહ્યા શત્રુઓથી લડતા રહ્યા અને શહીદ થતા રહ્યા. હુર્ર બિન યઝીદ પણ યઝીદીઓ વિરૂદ્ધ મેદાનમાં ઊતર્યા અને ઘણા વિરોધીઓને કતલ કરી આખરે પોતે પણ શહીદ થઇ ગયા. યઝીદી લશ્કર સામે હઝરત હુસેન રદી.નું લશ્કર બહાદૂરીપૂર્વક લડી રહ્યું હતું. બપોર સુધી એક ના મુકાબલે એક એમ લડાઈ થતી રહી અને યઝીદીઓ કતલ થતા રહ્યા. ઝોહરની નમાઝનો સમય થયો તો હઝરત હુસેન રદી અને એમના સાથીઓએ ‘સલાતુલ ખૌફ’ નમાઝ પઢી. ઈતિહાસકારોએ નોંધ્યું છે એમ હઝરત હુસેન રદી પક્ષે ઝોહરની નમાઝ સુધી લગભગ ૨૩ યોદ્ધાઓ શહીદ થયા. એ પછી સંબંધીઓ અને બનુ હાશીમે લડત આપી. હઝરત અલી અકબર રહ.થી હઝરત અલી અસગર રહ. સુધી શહાદત વહોરી. બીજા યોદ્ધાઓ પણ શહીદ થતા ગયા.આ બાજુ હઝરત હુસેન રદી.એકલા હાથે શત્રુઓ સામે લડતા રહ્યા. અંતે આપ તંબુઓમાં આવ્યા, સ્વજનો અને અન્સારની મહિલાઓને અલવિદા કહ્યું અને ફરીથી મેદાનમાં આવ્યા. શત્રુઓએ તીર વરસાવ્યા અને હઝરત હુસેન રદી.લોહીમાં નહાઈ ગયા. આ સ્થિતિમાં પણ શત્રુઓમાંથી કોઈની હિંમત નહોતી કે તેઓ નજીક આવીને વાર કરે. લડતા લડતા આપ ફૂરાત સુધી પહોંચી ગયા. આ બાજુ શમરના સૈનિકો તંબુઓ સુધી આવી ગયા અને શમરે તંબુઓ બાળી નાખવાનો આદેશ આપ્યો. હઝરત હુસેન રદી સિંહ ગર્જના કરી એમને લલકાર્યા. શત્રુઓ એમની પાસે આવીને ઘેરી લીધા. આપે એક પ્રભાવી વક્તવ્ય આપ્યું પરંતુ શત્રુઓ બેકાબૂ બન્યા હતા. અસરનો સમય હતો. આપ યાદે હકમાં વ્યસ્ત હતા. ઊભા રહેવું પણ આપના માટે મુશ્કેલ થઇ ગયું, આખું શરીર તીરોથી વીંધાઈ ગયું હતું. કોઈ સૈનિકની હિંમત નહોતી થતી કે આવીને વાર કરે. આખરે શમરે સેહ આપી તો માલિક બિન નસર અને ઝૂરઆ બિન શરીકે વારા ફરતી ભાલા અને તલવારથી વાર કર્યા અને સિનાન બિન અનસ બિન અમ્ર અલ નખઈએ આપનું પવિત્ર માથું ધડથી અલગ કરી દીધું.એન્સાયકલોપીડિયા ઓફ ઇસ્લામમાં લૌરા વાગ્લીરી લખે છે કે હઝરત હુસેન રદી.ના પક્ષે એકમાત્ર હઝરત હુસેન રદી.ના પુત્ર હઝરત અલી બિન હુસેન (ઝેનુલ આબેદીન) બીમાર હતા તેથી મેદાનમાં આવ્યા ન હતા, તંબુમાં હતા તેથી બચી ગયા. શમર એમને પણ મારવા માંગતો હતો પણ ઉમર ઇબ્ને સા’દે એને તંબુમાં જતો રોક્યો. હઝરત ઝેનુલ આબેદીનથી હઝરત ઇમામ હુસેન રદી.નો વંશવેલો આગળ ચાલ્યો,જેઓ હુસેની કહેવાયા. કરબલાની આ લડાઈમાં હઝરત ઇમામ હુસેન પક્ષે ૭૨ લોકો શહીદ થયા એમાંથી ૧૭ (બીજા એક કથન મુજબ ૨૦) માણસો ‘તાલીબી’ અર્થાત અબુ તાલિબના વંશજો હતા. ઇબ્ને સા’દના લશ્કરના ગયા પછી કરબલાના અલ ગદીરીયા ગામના અસદી લોકોએ હઝરત હુસેન રદી અને બીજા શહીદોને ત્યાં જ દફન કર્યા. હઝરત હુસેન રદી.નું માથું અને તાલીબી સ્ત્રીઓને પહેલા કુફા અને પછી દમાસ્કસ લઇ જવામાં આવ્યા. દમાસ્કસમાં યઝીદે હજરત હુસેન રદી.ના કુટુંબીઓ સાથે કઠોર વર્તાવ કર્યો હતો, હઝરત ઝયનબ અને હઝરત અલી બિન હુસેન (ઝેનુલ આબેદીન રહ.)એ પણ સામે એવો જ પ્રતિકાર કર્યો હતો. થોડા દિવસો પછી હઝરત હુસેન રદી.ના કુટુંબીઓને મદીના મોકલવામાં આવ્યા. હઝરત હુસેન રદી.નું માથું ક્યાં દફન કરવામાં આવ્યું એમાં મતભેદ છે અને ઘણા કથનો છે. (૧) હઝરત અલી રદી.ની બાજુમાં એટલે કે નજફમાં,(૨) કુફાની બહાર પરંતુ હઝરત અલી રદી.ની બાજુમાં નહીં (૩) કરબલામાં જ એમના શરીર પાસે (૪) મદીનામાં જન્નતુલ બકીમાં (૫) દમાસ્કસમાં કોઈ અજ્ઞાત સ્થળે (૬) અલ રક્કામાં (૭) કૈરોમાં ફાતીમીઓએ ત્યાં એમનું માથું સ્થળાંતરિત કર્યું હતું એવો આરોપ છે – એ જ સ્થળે જયાં એમના નામની મસ્જિદ બનાવવામાં આવી છે. આ બાજુ કુફાવાસીઓને ઘણો પસ્તાવો થયો અને એમણે ખોટું કર્યું એવો ગ્લાની ભાવ એમને પજવતો રહ્યો.હઝરત હુસેન રદી જેવી પવિત્ર હસ્તી કે જેના નાના ઇસ્લામના અંતિમ નબી અને બધા જ જગતો માટે કૃપારૂપ હતા અને જેમને ઇસ્લામી શિક્ષણ અને શિષ્ટાચારનો પ્રચાર પ્રસાર કર્યો હતો, એમના દોહિત્ર હોવાના નાતે હઝરત હુસેન રદી. યઝીદ જેવા અત્યાચારી, બળાત્કારી, દારૂડિયા અને ચારિત્ર્યહીન શાસકની બેઅત (પ્રતિજ્ઞા) કેવી રીતે લઇ શકતા હતા ? અત્યાચાર અને જુલમ સામે માથું નમાવવાને બદલે માથું કપાવી આપે કયામત સુધી આવનારા લોકોને સંદેશ આપી દીધો કે અન્યાય અને અત્યાચાર સામે ઝુકશો નહીં, વિરોધ કરજો, પ્રતિકાર કરજો, શહીદ થઇ જવાતું હોય તો શહીદ થઇ જજો પણ અસત્ય, અન્યાય અને અત્યાચાર સામે ઘૂંટણે પડશો નહીં. આજે હુસેનીઓ તો અસંખ્ય છે અને કયામત સુધી રહેશે, પરંતુ એકેય યઝીદી જોવા નથી મળતો.આપના વિશે કેટલાક કથનો પણ મળે છે. જ્યારે હઝરત હુસેન રદી. કરબલામાં શહીદ કરવામાં આવ્યા ત્યારે દિવસે અંધારૂં થઇ ગયું, તારાઓ દેખાવા લાગ્યા હતા અને આકાશ લાલ થઇ ગયું હતું. લોહીનો વરસાદ વરસ્યો હતો જેના નિશાન ખુરાસાન સુધીના લોકોના માથા અને કપડા પર જોઈ શકાતા હતા. દીવાલોમાંથી લોહી નીતરતું હતું. કરબલાની એ માટી કે જે હઝરત જિબ્રિલ અસ એ હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ને આપી હતી અને આપે એ માટી ઉમ્મુલ મોમીનીન હઝરત ઉમ્મે સલમા રદી.ને આપી હતી અને કહ્યું હતું કે આને સંભાળીને રાખજો.જે દિવસે હઝરત હુસેન રદી.ને શહીદ કરી દેવામાં આવશે ત્યારે આ માટી લોહી બની જશે અને હઝરત હુસેન રદી.ની શહાદતની રાત્રિએ એ માટી લોહી બની ગઇ હતી. આ જોઇને ઉમ્મે સલમા રદી રડી પડ્યા હતા. મદીનામાં હઝરત હુસેન રદી.ના મૃત્યુ પર રડનારા એ પહેલા હતા. નબી (સ.અ.વ.) અને હઝરત ઉમ્મે સલમા રદી.ની જેમ જ હઝરત અલી અને બીજા એહલે બય્ત ને ખબર હતી કે હઝરત હુસેન રદી.ને કરબલામાં શહીદ કરી દેવામાં આવશે. એક વખત (હઝરત હુસેન રદી.ની શહાદત પહેલા) હઝરત અલી રદી. કરબલા પાસેથી પસાર થયા ત્યારે તેઓ ત્યાં થોડા રોકાઈને રડ્યા હતા અને રસુલલ્લાહ (સ.અ.વ.)ની હઝરત હુસેન રદી બાબતની ભવિષ્યવાણીને યાદ કરી હતી. કરબલાનું અર્થઘટન એમણે કર્બ વ બલા (આફત અને કસોટી) કર્યું હતું.હઝરત હુસેન રદી.નું માથું કુફા અને દમાસ્કસ લઇ જવાયું હતું એ દરમિયાન પણ આપના પવિત્ર માથાની ઘણી કરામતો (ચમત્કારો) જોવા મળ્યા હતા. જેનું વર્ણન જગ્યાના અભાવને લીધી અહીં કરતા નથી. એવી જ રીતે હઝરત હુસેન રદી. પર હુમલા કરનાર યઝીદીઓ પર હઝરત હુસેન રદી.ની શહાદત પછી ઘણી કુદરતી યાતનાઓ અને આફતો આવી હતી એનું વર્ણન પણ અહીં કરી શકીએ એમ નથી.હઝરત હુસેન રદીના જીવન અને કરબલાની ઘટના અને એના પછીની ઘટનાઓ વિશે વધુ વિસ્તારથી જાણવા માટે વાચકે આધારભૂત ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ.(અમે બધા સંદર્ભ એન્સાક્લોપીડીયા ઓફ ઇસ્લામ અને ઉર્દૂ દાએરા એ મારીફ અલ ઇસ્લામિયામાંથી લીધા છે.)