Religion

હઝરત ઉમ્મે સલમા (રદીઅલ્લાહુ અનહા) (ઈસ ૫૯૬-૬૮૨/૮૩)

પ્રભાવી વ્યક્તિત્વ – મુહમ્મદ સઈદ શેખ

ઉમ્મુલ મોમીનીન (મોમીનોની માતા) હઝરત હિન્દ બિંતે અબુ ઉમૈયા હુઝેફા (કે સુહેલ)(બિન અલ મુગીરા) પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)સાહેબના છઠ્ઠા પુનિત પત્ની હતા. એમની કુનીયત ઉમ્મે સલમા હતી અને તેઓ કુરેશ કબીલાના બનું મખઝૂમ કૂળથી સંબંધ ધરાવતા હતા. એમની માતાનું નામ આતિકા બિંતે આમિર બિન રબિઆ હતું અને તેઓ બનું ફીરાસ કુળથી હતા.
એમના જન્મ વર્ષમાં ઘણા મતભેદ જોવા મળે છે. પ્રમાણિત સ્ત્રોત મુજબ એમનો જન્મ ઈસ ૫૯૬ (હિજરતથી ૨૮ વર્ષ પહેલા)માં મક્કામાં થયો હતો.
હઝરત ઉમ્મે સલમા રદી.ના પ્રથમ લગ્ન એમના પિત્રાઈ ભાઈ અબુ સલમા અબ્દુલ્લાહ બિન અબ્દુલ અસદથી થયા હતા, જેઓ હુઝુર (સ.અ.વ.)સાહેબના ફુઈ બર્રા બિંતે અબ્દુલ મુત્તલીબના પુત્ર હતા અને તેઓ ઇસ્લામ સ્વીકારનાર પ્રારંભિક લોકો (અસ્સાબિકુનલ અવ્વલુન)માંથી હતા. ઉમ્મે સલમા રદી.એ નબુવ્વતના પ્રારંભમાં જ પોતાના પતિ સાથે ઇસ્લામ સ્વીકાર્યો હતો. ૬ નબવીમાં જયારે હબ્શા (ઈથિયોપિયા) તરફ હિજરત કરવાનો સમય આવ્યો ત્યારે તેઓ પોતાના પતિ સાથે હબ્શા ગયા હતા. પરિસ્થિતિ સુધરી તો તેઓ મક્કા પાછા આવ્યા. મદીના મુનવ્વરા તરફ હિજરત કરવાનું કહેવામાં આવ્યું તો હઝરત અબુ સલમા રદી. સૌપ્રથમ નીકળ્યા, એમની પત્ની હઝરત ઉમ્મે સલમા પણ સાથે હતા. હિજરત કરનાર સ્ત્રીઓમાં સૌથી પ્રથમ હોવાનું ગર્વ એમને મળે છે.
હઝરત અબુ સલમા રદી. ઘોડેસવાર સૈનિક હતા. બદર અને ઉહદના યુદ્ધમાં સામેલ થઈ બહાદૂરીપૂર્વક લડ્યા. ઉહદના યુદ્ધમાં હાથ જખમી થઈ ગયો. ઈલાજ કરવાથી સાજા તો થયા પરંતુ જમાદિલ આખર હિસ ૪/નવેમ્બર ૬૨૫માં જખમ ફાટી ગયો અને એના આઘાતથી ઝિલકદ હિસ ૯માં એમનું અવસાન થયું. હઝરત અબુ સલમાંથી હઝરત ઉમ્મે સલમાને બે પુત્રો હઝરત સલમા રદી. અને ઉમર રદી. તથા બે પુત્રીઓ હઝરત ઝેનબ રદી. અને હઝરત રૂકૈયા રદી. હતા.
ઇદ્દતનો સમયગાળો પૂરો થતા એમને લગ્ન માટે ઘણા માગાં આવવા લાગ્યા પરંતુ તેઓ ઇન્કાર કરતા રહ્યા. અહીં સુધી કે હુઝુર (સ.અ.વ.) સાહેબે એમને લગ્નનું કહેણ મોકલ્યું. આ એમના માટે ગર્વની વાત હતી કે પુનિત પત્નીઓમાં તેઓ સામેલ થાય. હિ.સ.૪ના શવ્વાલમાં આપના લગ્ન હુઝુર (સ.અ.વ.) સાહેબ સાથે થયા, એમના માટે બીજી પુનિત પત્નીઓની જેમ એક અલગ ખંડ આપવામાં આવ્યો.
હઝરત ઉમ્મે સલમા રદી હુઝુર (સ.અ.વ.) સાહેબના આરામનું ખૂબ ધ્યાન રાખતા હતા. તેઓ સૌંદર્યવાન હતા સાથે સાથે અલ્લાહે એમને ખૂબ બુદ્ધિ અને સમજ આપી હતી. તેઓ ખૈબરની લડાઈમાં હુઝુર (સ.અ.વ.) સાહેબની સાથે હતા, તાઈફની કૂચમાં પણ તેઓ હતા. હુદેબીયાની સંધી વખતે આપ હુઝુર (સ.અ.વ.)સાહેબની સાથે હતા. હજ્જતુલવિદાઅ સમયે તેઓ બીમાર હોવા છતાં આપ (સ.અ.વ.) સાહેબ સાથે હજ કરી હતી. હુઝુર (સ.અ.વ.) જ્યારે બીમાર હતા ત્યારે હઝરત ઉમ્મે સલમાં રદી.એ આપનું ખૂબ ધ્યાન રાખ્યું હતું. બધા જ પુનિત પત્નીઓમાં સૌથી વધુ આયુષ્ય એમને જ મળ્યું. સ્ત્રોત મુજબ આપે લગભગ ૮૫ વરસનું આયુષ્ય ભોગવી હિ.સ. ૬૩માં અવસાન પામ્યા. જન્નતુલ બકીઅમાં દફન કરવામાં આવ્યા. કરબલા અને હરરા જેવી મોટી ઘટનાઓ આપના જીવનમાં જ ઘટયા હતા.
આપ એક ઉચ્ચ ચારિત્ર્યના માલકણ હતા. ખૂબ સખી હતા. ધાર્મિક પ્રશ્નોની સમજ અને એનો ઉકેલ આપવામાં એમની હાથોટી હતી. મસ્નદ એહમદ બિન હન્બલ રદી.માં એમની ૩૭૮ હદીસો રિવાયત કરવામાં આવી છે. તેઓ સાક્ષર હતા એવું ઉર્દૂ એન્સાયકલોપીડિયા ઓફ ઇસ્લામના સંપાદકનું માનવું છે.

Related posts
Religion

હઝરત હસન ઇબ્ન અલી (રદીઅલ્લાહુ અનહુ) (ઈસ આ.૬૨૫-૬૭૦)

ભાગ -૨ પ્રભાવી વ્યક્તિત્વ &#8211…
Read more
Religion

હઝરત હસન ઇબ્ન અલી (રદીઅલ્લાહુ અનહુ) (ઈસ આ.૬૨૫-૬૭૦)

ભાગ -૨ પ્રભાવી વ્યક્તિત્વ &#8211…
Read more
Religion

હઝરત ઇમામ હુસેન ઇબ્ન અલી (રદીઅલ્લાહુ  અનહુ) (ઈ.સ. આ.૬૨૬-૬૮૦) ભાગ -૩​​​​​​​

પ્રભાવી વ્યક્તિત્વ – મુહમ્મદ સઈદ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.