Religion

હઝરત હસન ઇબ્ન અલી (રદીઅલ્લાહુ અનહુ) (ઈસ આ.૬૨૫-૬૭૦)

ભાગ -૨

પ્રભાવી વ્યક્તિત્વ   – મુહમ્મદ સઈદ શેખ

ગતાંકથી ચાલુ 
સીફ્ફીનના યુદ્ધમાં હઝરત હસન રદી.એ ભાગ લીધો હતો અને જે શાંતિ કરાર થયો એમાં એક સાક્ષી તરીકે તેઓ પણ હતા.
હઝરત અલી રદી.એ રાજધાની મદીનાને બદલે કુફાને બનાવી હતી અને ત્યાં જ હિસ ૪૦માં ઇબ્ન મુલ્જિમ નામની વ્યક્તિએ એમની ઉપર મસ્જિદમાં હુમલો કરી દીધો, તેઓ સખત ઘાયલ થયા અને ત્રણ દિવસ સુધી જીવતા રહ્યા. આ દરમિયાન જયારે એમને હઝરત હસન રદી.ની ખિલાફત બાબતે પૂછવામાં આવ્યું તો આપે કહ્યું : “ન હું આદેશ આપું છું ન એ બાબતે લોકોને રોકું છું.” હઝરત અલી રદી.નું અવસાન થતા એમને દફનાવવામાં આવ્યા. એ પછી કુફાની જામા મસ્જિદમાં હઝરત હસન રદી.ની ખિલાફત માટે બેઅત (પ્રતિજ્ઞા) લેવાઈ.(મસુદીના કથન મુજબ હઝરત અલી રદી.ના અવસાનના બે દિવસ પછી આ બેઅત લેવામાં આવી હતી). બેઅત કરનાર લોકોની સંખ્યા વીસ હજારથી વધારે હતી. પરંતુ સીરિયાના ગવર્નર હઝરત મુઆવિયા રદી.એ હઝરત હસન રદી.ની ખિલાફતને સ્વીકારી નહીં. કેટલાક ઇતિહાસકારો હઝરત હસન રદી.ને પાંચમાં રાશીદુન ખલીફા તરીકે સ્વીકારે છે.
હઝરત હસન રદી.એ ખલીફા તરીકે બેઅત લીધી એના ચાર મહિના પછી તેઓ ઈરાકના કેટલાક લોકોને લઈને સીરીયા (શામ) તરફ હઝરત મુઆવિયા રદી. વિરૂદ્ધ લડવા માટે લોકોને લઈને નીકળ્યા. બંને પક્ષોના સૈનિકો મસ્કન સ્થળે ભેગા થયા. આ સ્થળ યુફ્રેતીસ અને તાઈગ્રીસ નદીના વચ્ચેના ભાગમાં છે, જ્યાં પછીથી બગદાદ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. હઝરત હસન રદી.એ અંદાજો લગાવી લીધો કે બંનેમાંથી કોઈ પણ એક પક્ષનો ત્યાં સુધી વિજય નહીં થાય જ્યાં સુધી બીજા પક્ષને બરબાદ ન કરી દે. આ જ વિચાર સુલેહ શાંતિ માટેનું કારણ બન્યું. હઝરત હસન રદી.એ હઝરત મુઆવિયા રદી.ને શાંતિ કરાર માટે લખ્યું અને અમ્ર બિન સલમા અલ અરહબીને હ મુઆવિયા રદી. પાસે શાંતિની વાટાઘાટ માટે મોકલ્યા. હઝરત મુઆવિયા રદી.એ હઝરત અબ્દુર રહેમાન બિન સમરાહ રદી અને અબ્દુલ્લાહ બિન આમિર રદી.ને હઝરત હસન રદી. પાસે મોકલ્યા. બંનેએ હઝરત હસન રદી.ની શરતો માની લીધી. પછી હઝરત હસન રદી. અને હઝરત મુઆવિયા રદી. સાથે સાથે જ કુફામાં દાખલ થયા. હઝરત હસન રદી. કસ્રમાં ઊતર્યા અને હઝરત મુઆવિયા રદી. નુખેલામાં.
હઝરત હસન રદી.એ શરતો લખી અબ્દુલ્લાહ બિન આમિર રદી.ને હઝરત મુઆવિયા રદી. પાસે મોકલ્યા. હઝરત મુઆવિયા રદી.એ બધી શરતો મંજૂર રાખી પત્ર પર મોહર લગાવી સાક્ષીઓની સહીઓવાળું કરારનામું હઝરત હસન રદી. પાસે મોકલ્યું.
કુફામાં દાખલ થયા પછી હઝરત મુઆવિયા રદી.ની બેઅત થઇ. હઝરત અમ્ર બિન અલ આસ રદી.નું સૂચન આ હતું કે હઝરત હસન રદી.થી આમ જનતા સમક્ષ આ એલાન કરાવવામાં આવે કે તેઓએ ખિલાફત છોડી દીધી છે જેથી પાછળથી કોઈને ગેરસમજ ન થાય. હઝરત મુઆવિયા રદી.એ હઝરત હસન રદી.ને પ્રવચનની દરખાસ્ત કરી તેથી હઝરત હસન રદી.એ કુફાની જામા મસ્જિદમાં ફરમાવ્યું : હે લોકો, અલ્લાહે અમારા  આગળ વાળાથી તમને માર્ગદર્શન આપ્યું અને પછીના  લોકોથી તમારી વચ્ચેની ખૂનામરકી બંધ કરાવી. સૌથી શ્રેષ્ઠ બુદ્ધિ સંયમ છે અને વિનમ્રતામાં સૌથી ખરાબ વિનમ્રતા કુકર્મો છે અને ખિલાફતના મામલે મારા અને હઝરત મુઆવિયા રદી વચ્ચે જે મતભેદ હતા એ બાબતે કહું છું કે તેઓ મારા કરતા વધારે અધિકારી છે અથવા આ મારો અધિકાર છે કે જેને અલ્લાહની રજામંદી માટે અને ઉમ્મતે મુહંમદીની ભલાઈ અને તમારી વચ્ચેની ખૂનામરકી રોકી દેવા માટે મેં ખિલાફત છોડી દીધી છે.(અસદુલ ગાબા)
ખિલાફત છોડી દેતા પહેલા હઝરત હસન રદી.એ હઝરત અબ્દુલ્લાહ બિન જાફર રદી. બિન અબી તાલિબથી પણ સલાહ લીધી હતી. હઝરત હસન રદી.એ એમને કહ્યું હતું કે મેં વિચાર્યું છે કે મદીના ચાલ્યો જાઉં અને ત્યાં જ સ્થાયી થઇ જાઉં. ખિલાફત હઝરત મુઆવિયા રદી.ને સોંપી દઉં. એટલા માટે કે ફિત્નો બહુ વધી ગયો છે. લોહી વહેવાથી વધારે મુશ્કેલીઓ થશે. હઝરત અબ્દુલ્લાહ રદી.એ જવાબ આપ્યો હતો કે અલ્લાહ તમને ઉમ્મતે મુહમ્મદ (સ.અ.વ.) સાહેબ  તરફથી ખેરનો બદલો આપે. જો કે હઝરત ઇમામ હુસેન રદી. સાથે વિચાર વિમર્શ થયો તો એમણે આવું કરવાની મનાઈ કરી દીધી હતી. પરંતુ હઝરત હસન રદી.એ એમને મનાવી લીધા હતા.
આમ હઝરત હસન રદી. વિશે રસુલલ્લાહ (સ.અ.વ.)સાહેબની એ ભવિષ્યવાણી સાચી પડી કે આ મારો પુત્ર (દોહિત્ર) સરદાર છે, આશા છે કે અલ્લાહ એના દ્વારા મુસલમાનોના બે જૂથો વચ્ચે સુલેહ કરાવશે. આ વર્ષ મુસલમાનો માટે ‘આમૂલ જમાઅત’ તરીકે પ્રસિદ્ધ થયું એટલા માટે કે એમની વચ્ચેના મતભેદ નાબૂદ થઇ ગયા અને તેઓ એક થઇ જમાત બની ગયા હતા.કેટલાક કુફીઓએ સુલેહની બાબતે આપને ટોણા પણ માર્યા હતા પરંતુ આપે ધૈર્યથી કામ લીધું અને પોતાના નિર્ણય પર અડગ રહ્યા.એમની ખિલાફતના સમયગાળા બાબતે કેટલાક મતભેદ છે. કેટલાકમાં ચાર મહિના તો કેટલાકમાં આઠ મહિના કહેવામાં આવ્યા છે. સાચું આ છે કે આપની બેઅત ૨૦ રમઝાન હિસ ૪૦માં થઇ હતી અને ૧૫ જમાદિલ ઉલા હિસ ૪૧ના દિવસે આપે ખિલાફત છોડી દીધી, આ રીતે મુદત સાત મહિના અને છવ્વીસ દિવસ થાય છે. આપની ખિલાફત સવાદ, જબલ, ઈરાક, ખુરાસાન અને યમન સુધી વિસ્તરેલી હતી. સુલેહ પછી હઝરત હસન રદી. મદીના ચાલ્યા ગયા હતા અને બાકીનું જીવન ત્યાં જ પસાર કર્યું. મોટાભાગનો સમય અલ્લાહની ઇબાદતમાં પસાર થતો. ઉમ્મહાતુલ મોમીનીન પાસે જઈ સલામ પણ અરજ કરતા. મક્કામાં હોય તો અસરની નમાઝ હરમમાં પઢી તવાફ કરતા.હઝરત હસન રદી ખૂબ સખી હતા, સદ્‌કો અને ખેરાત કરતા રહેતા. ખૂબ દરિયા દિલ હતા. ત્રણ વખત પોતાના કુલ માલનો અડધો ભાગ અલ્લાહના માર્ગમાં આપી દીધો હતો. અહીં સુધી કે બે જોડી જૂતા હતા એમાંથી એક જોડી ખેરાત કરી દીધા. બીજા લોકોની જરૂરિયાત પૂરી કરવી એમના માટે ઇબાદત સમાન હતું.હિસ ૧૫થી આપના માટે પાંચ હજાર દિરહમ વાર્ષિક પેન્શન બંધાયેલું હતું ત્યારથી લઇ હિસ ૫૦ સુધી ચાલુ રહ્યું. હઝરત મુઆવિયા રદી. સાથે સુલેહ પછી કરારનામા મુજબ એહ્‌વાઝનું ખિરાજ ટેક્સ એમને મળતું હતું જેની રકમ વાર્ષિક દસ લાખ દિરહમ થતી હતી આ રકમ આપને દસ વર્ષ સુધી મળી. કેમ કે હિસ ૫૦માં આપનું મદીના મુનવ્વરામાં અવસાન થયું. ત્યારે આપની ઉમર સુડતાળીસ વરસ હતી. આ પણ કહેવાય છે કે આપનું અવસાન ઝેર આપવાના લીધે થયું હતું. કેટલાક કથનમાં એવું કહેવાયું છે કે આપની પત્ની જા’દહ બિંતે અશઅતે ઝેર આપ્યું હતું (વલ્લાહો આ’લમ)અલ અસાબા અને અલ અખબારૂત તવાલ મુજબ હઝરત હસન રદી.નું મૃત્યુ ઝેરને લીધે નહીં પરંતુ બીજા કોઈ કારણસર થયું હતું. અલ ઇસ્તીયાબ અને અલ મસુદીના મત મુજબ કેટલીય વખત ઝેર આપવામાં આવ્યું હતું. આ પણ કહેવામાં આવ્યું છે કે ચાળીસ દિવસ સુધી આપ બીમાર રહ્યા અને છેલ્લી વાર ઝેર આપવામાં આવ્યું એ નિર્ણાયક હતું. એક રિવાયત મુજબ હઝરત હુસેન રદી.એ હઝરત હસન રદી.ને છેલ્લી ક્ષણોમાં પૂછ્યું હતું કે આપને ઝેર કોણે આપ્યું ? તો હઝરત હસને કહ્યું જાણીને શું કરશો ? જેના પર મને શંકા છે જો એ જ હોય તો અલ્લાહ એનાથી બદલો લેશે અને જો એ ન હોય તો મારા બદલે કોઈ નિર્દોષ માર્યો જાય એ મને ગમતું નથી. જનાઝાની નમાઝ મદીના મુનવ્વરામાં હઝરત સઈદ બિન અલ આસ રદી.એ પઢાવી હઝરત ઇમામ હુસેન રદી.એ પોતે એમને ઇમામત કરવા માટે આગળ કરી દીધા હતા અને કહ્યું હતું કે પરંપરા આ જ છે કે અમીરે શહેર (શહેર પ્રમુખ) નમાઝ પઢાવે. એમની પત્નીઓમાં હઝરત ઉમ્મે બશીર બિંતે અબુ મસૂદ અન્સારી અને હઝરત ખોલાના નામ આવે છે. જા’દહ બિંતે અલ અશઅતનું નામ એમને ઝેર આપવા સંદર્ભે આવે છે. આ ઉપરાંત બે પત્નીઓ બીજી પણ હતી. આપના પુત્રોના નામ આ મુજબ છે હઝરત અલહસન, હઝરત ઝેદ, હઝરત ઉમર, હઝરત અલ કાસિમ, હઝરત અબુ બક્ર, હઝરત અબ્દુર રહમાન, હઝરત તલ્હા અને હઝરત ઉબેદુલ્લાહ રહ.હઝરત હસન રદી.એ કેટલીક હદીસો પણ રિવાયત કરી છે, આપ ફતવા પણ આપતા હતા પરંતુ એની સંખ્યા  બહુ ઓછી છે. તારીખ અલ યાકુબીમાં આપના ઉચ્ચારેલ સુવાક્યો પણ મળે છે.