(એજન્સી) તા.૧૯
ઇઝરાયેલ અને હમાસના યુદ્ધ પર હવે સમાપ્ત થયું છે. વડાપ્રધાન નેતાન્યાહુના કાર્યાલયે પોતાના xએકાઉન્ટ પર પોસ્ટ કરી જણાવ્યું કે, ગાઝામાં યુદ્ધવિરામ કરાર લાગુ થઈ ગયો છે. નેતાન્યાહુના કાર્યાલયે જણાવ્યું કે, યુદ્ધવિરામ ત્રણ કલાક મોડુ શરૂ થયું. કારણ કે, હમાસે બંધકોની લિસ્ટ શેર કરવામાં મોડુ કર્યું હતું. વડાપ્રધાન નેતાન્યાહુએX પોસ્ટમાં જણાવ્યું કે, ઇઝરાયેલના બંધકોની યાદી મળી ગઈ છે અને તેમની સિક્યોરિટી તપાસ કરવામાં આવી રહી છે. પહેલા તબક્કામાં ત્રણ બંધકોના નામ શેર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, હમાસે નામ સોંપવામાં મોડું કરવા માટે ‘ટેક્નિકલ ખામી’ને જવાબદાર ગણાવી હતી. હમાસે કહ્યું કે, અમે ગત અઠવાડિયે જાહેર યુદ્ધવિરામ કરાર માટે પ્રતિબદ્ધ છીએ. જણાવી દઈએ કે ૭ ઓકટોબર, ૨૦૨૩ના દિવસે હમાસ દ્વારા ઇઝરાયેલમાં પ્રચંડ હુમલા કરાયા હતા, જેમાં આશરે ૧૨૦૦ મોત થયા હતા. આ દરમિયાન ૨૫૦થી વધુને બંધક બનાવાયા હતા. ત્યારબાદ ઈઝરાયેલ તરફથી ગાઝામાં ચલાવાયેલા સૈન્ય અભિયાનમાં અત્યાર સુધી ૪૬,૮૯૯ લોકોનાં મોત થઈ ગયા છે. અમેરિકા અને કતારની મધ્યસ્થીમાં થયેલા કરારની બુધવારે જાહેરાત કરાઈ હતી. હમાસે શુક્રવારે કહ્યું કે, ગાઝામાં યુદ્ધવિરામના રસ્તા પરથી તમામ અડચણો દૂર થઈ ગઈ છે. હમાસે પહેલાં જ આ કરારનો સ્વીકાર કરી દીધો છે. યુદ્ધવિરામનો આ કરાર ત્રણ તબક્કામાં થશે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનો યુદ્ઘવિરામનો પહલો તબક્કો રવિવારે સવારે ૮ઃ૩૦ વાગ્યે લાગુ થવાનો હતો. પરંતુ હમાસે બંધકોની યાદી આપવામાં મોડું કર્યું જેનાથી તે ત્રણ કલાક મોડું લાગુ કરવામાં આવ્યું. કરાર હેઠળ અઠવાડિયાના પહેલાં તબક્કામાં હમાસ ૯૮ બંધકોમાંથી ૩૩ બંધકોને મુક્ત કરશે. તેમાં તમામ મહિલા, બાળકો અને ૫૦થી વધારે ઉંમરના લોકો હશે. જો કે, ઈઝરાયેલ તેના બદલે પોતાની જેલમાંથી આશરે બે હજાર પેલેસ્ટીનના લોકોને મુક્ત કરશે. તેમાં અહેમદ બરઘૌટી જેવા અમુક આતંકવાદી પણ સામેલ છે. બરગૌટી ઈઝરાયેલમાં હત્યા માટે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. ઇઝરાયેલના ન્યાય મંત્રાલયે કહ્યું કે, રવિવારે પ્રત્યેક મહિલા બંધકની બદલે ૩૦ પેલેસ્ટીનના કેદીઓને મુક્ત કરવામાં આવશે. રવિવારે બંધકોને મુક્ત કર્યા બાદ પ્રમુખ અમેરિકન વાર્તાકાર બ્રેટ મેકગર્કે કહ્યું કે, કરાર અનુસાર સાત દિવસ બાદ ચાર અન્ય મહિલા બંધકોને મુક્ત કરવામાં આવશે. આવતા પાંચ અઠવાડિયામાં બાકીના ૨૬ બંધકોને મુક્ત કરવામાં આવશે.