(એજન્સી) તા.૮
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (એનએફએચએસ) દ્વારા દેશમાં બાળકોના પોષણ સ્તરમાં ચિંતાજનક ઘટાડો થયો હોવાનું જાહેર થયાં બાદ કેન્દ્ર હવે સરકારી શાળાઓમાં બાળકોને મધ્યાહન ભોજનની સાથે સાથે સવારમાં નાસ્તો પણ આપવાની દરખાસ્ત પર વિચારણા કરી રહી છે અને માસિક રુ.૪૦૦૦ કરોડની આ દરખાસ્ત કેબિનેટ સમક્ષ રજૂ કરવા માટે કેન્દ્ર સરકાર તૈયારી કરી રહી છે. આ દરખાસ્ત બજેટ સત્ર પૂર્વે કેબિનેટ સમક્ષ રજૂ કરવાની વિચારણા ચાલી રહી છે કે જેથી આ શૈક્ષણિક સત્રથી તેનો અમલ કરી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે દ્વારા એવી જાણ કરવામાં આવી છે કે ૨૦૧૫થી ૨૦૧૯ના પાંચ વર્ષ દરમિયાન બાળકોના પોષણ સ્તરમાં ચિંતાજનક ઘટાડો થયો છે. આ ઉપરાંત ૧૮ રાજ્યોમાં એવું નોંધવામાં આવ્યું છે કે જેમનું ઓછું વજન હોય અથવા જેમનો વિકાસ રુંધાયો હોય એવા પાંચ વર્ષની વય જૂથ નીચેના બાળકોની સંખ્યામાં ૧૮ રાજ્યોમાં વધારો થયો છે. વિવિધ અભ્યાસો દ્વારા એવું બહાર આવ્યું છે કે વંચિત બાળકો ભુખ્યા પેટે શાળાએ આવે છે અને તેથી તેઓ કુપોષણનો ભોગ બને છે. આ સ્થિતિમાં બપોર બાદ રાંધેલ ખોરાક આપવો એ જરુરી પોષણ સ્તર હાંસલ કરવા માટે પૂરતો નથી. ૨૦૨૦ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ શાળામાં નાસ્તો આપવાની દરખાસ્તને સમર્થન આપવામાં આવ્યું છે જેમાં એવી નોંધ લેવામાં આવી છે કે જો બાળકો અલ્પ પોષિત કે અસ્વસ્થ હોય તો તેઓ મહત્તમ સ્તરે શીખવા માટે અસમર્થ હોય છે. આથી એવી સલાહ આપવામાં આવી હતી કે નાસ્તો આપવાના કારણે બાળકોના પોષણ અને માનસિક સ્વાસ્થ્ય સહિત એકંદરે સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રીત કરી શકાશે. આ નીતિમાં એવા સંશોધનને ટાંકવામાં આવ્યું છે કે જેમાં દર્શાવાયું છે કે પોષણક્ષમ નાસ્તા બાદ સવારનો સમય જેમાં મહેનત માગી લે એવા વિષયો માટે વ્યવહારુ રીતે વધુ ઉત્પાદક પુરવાર થઇ શકે છે. મંત્રાલયે જો કે હજુ નાસ્તાનું મેન્યુ નક્કી કર્યુ નથી, પરંતુ આ માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. એક અધિકારીએ જણાવ્યું છે કે અમે આ બાબત રાજ્ય સરકાર પર છોડીશું.